સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પાણી તથા મચ્છર અને ભેજવાળા વાતાવરણની સ્થિતિઓને કારણે ડેન્ગ્યુ સહિતના તાવના કેસ અને અમુક હદે કોલેરાના કેસ પણ જોવા મળતાં હોય છે. જામનગરમાં ડેન્ગ્યુ તાવની સ્થિતિઓ જોઈએ તો જૂલાઈની સરખામણીએ ઓગસ્ટ અત્યાર સુધીમાં 3 ગણો ‘ભારે’ જોવા મળી રહ્યો છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં તાવ અને શરદી સહિતના કેસો નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીના જણાવ્યા અનુસાર, જીજી હોસ્પિટલ ખાતે જૂલાઈ માસ દરમ્યાન ડેન્ગ્યુના 45 કેસ નોંધાયા હતાં. જ્યારે હાલના ઓગસ્ટ માસના પ્રથમ 6 દિવસ દરમ્યાન ડેન્ગ્યુના 29 કેસ નોંધાયા છે.
જૂલાઈ માસની ડેન્ગ્યુની દૈનિક સરેરાશ 1.5 કેસની રહી. ઓગસ્ટ માસ દરમ્યાન આ સરેરાશ વધીને પ્રતિદિન 5 કેસની રહી. એટલે કે જૂલાઈ કરતાં ઓગસ્ટ માસ દરમ્યાન ડેન્ગ્યુનું પ્રમાણ 3 ગણાં કરતાં વધુ રહ્યુ. જો કે શહેર જિલ્લાની વસતિના પ્રમાણમાં રોજના પાંચ કેસ ચિંતાઓનો ગંભીર વિષય ન લેખાય પરંતુ બિમારીનું વધતું પ્રમાણ અવશ્ય ચિંતાઓ લેખી શકાય. શહેર અને જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ ડેન્ગ્યુ સહિતના તાવની સારવાર લેતાં હોય છે, એ આંકડાઓ અલગ.
અત્રે નોંધનીય છે કે, જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમ્પસમાં પણ ડેન્ગ્યુની બિમારી જોવા મળી રહી છે, ડોક્ટર અને તબીબી વિદ્યાર્થીઓ પણ બિમારીની ઝપટમાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેમ્પસમાં હાલ વિવિધ જગ્યાઓ પર બાંધકામ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આવી સાઈટ્સ પર પાણી ભરાયેલા રહેવા સહિતની સ્વચ્છતાના અભાવની સ્થિતિઓ રહેતી હોય છે અને આ ઉપરાંત આવી જગ્યાઓ પર બાંધકામ શ્રમિકોની પણ વસાહતો હોય છે.
મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈએ કહ્યું કે…
આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીત દરમ્યાન મેડિકલ કોલેજના ડીને કહ્યું કે, આ કેમ્પસમાં તબીબી વિદ્યાર્થીઓ અને ડોક્ટર્સ મળી આશરે ચારેક હજારની સંખ્યા છે, જે પૈકી 41 લોકોને ડેન્ગ્યુની અસરો જોવા મળતાં તેમને તાકીદની સારવાર આપવામાં આવી છે અને સૌ સ્વસ્થ થઈ રહ્યા છે તથા કેમ્પસમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ ઘટવા તરફી છે.