સમગ્ર રાજ્યની માફક જામનગર શહેર અને જિલ્લામાં પણ હાલની સિઝનમાં દૂષિત અને નવા પાણીથી થતાં તેમજ મચ્છરોને કારણે થતાં રોગોની સંખ્યા વધી રહી છે. સામાન્ય નાગરિકો ઉપરાંત તબીબી સેવાઓ સાથે સંકળાયેલા ડોક્ટરો પણ રોગચાળાની ઝપટમાં આવી રહ્યા છે. આ રીતે એક તબીબનું મોત નીપજતા આરોગ્ય વર્તુળમાં શોક વ્યાપી ગયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દર વર્ષની માફક આ વર્ષે પણ શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુ સહીતના તાવના કેસ વધી રહ્યા છે. જીજી હોસ્પિટલ-મેડિકલ કોલેજ કેમ્પસમાં પણ ઘણાં જૂનિયર તબીબો અને સિનિયર તબીબી પણ ડેન્ગ્યુ રોગચાળાની અસરમાં આવ્યા છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જીજી હોસ્પિટલ મેડિકલ કોલેજ કેમ્પસમાં ઠેરઠેર બાંધકામ ચાલી રહ્યા છે. આ પ્રકારના કામોને લીધે બાંધકામ સાઈટ્સ સહિતના સ્થળોએ ચોમાસુ પાણી ભરાઈ રહ્યા છે જ્યાં મચ્છર ઉત્પતિ થઈ રહી છે. સફાઈ કામગીરીઓ છતાં વારંવારના વરસાદને કારણે આ સમસ્યાઓ નડી રહી છે.
હાલમાં મૂળ ઈડર પંથકના અને જીજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા વિશાલ અંસારી ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા બાદ આ તબીબનું મૃત્યુ થતાં હોસ્પિટલ મેડિકલ કોલેજ કેમ્પસમાં શોક વ્યાપી ગયો છે. એમ પણ જાણવા મળે છે કે, આ મૃતક તબીબના વતન વિસ્તારમાં જે સિકલસેલ બિમારી જોવા મળે છે તે બિમારી પણ આ ડોક્ટરને થઈ હતી. આ બિમારી લોહીના હિમોગ્લોબિન સાથે સંકળાયેલી હોય છે. આ બિમારી ઉપરાંત ડેન્ગ્યુ પણ થતાં સારવાર દરમ્યાન આ તબીબનું મોત થયું છે. મૃતક આ અગાઉ પણ બે વખત આ રીતે બિમાર પડી ગયા હતાં.
દરમ્યાન, આજે સવારે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીત દરમ્યાન જણાવ્યું કે, વર્તમાન ઓગસ્ટ માસમાં અત્યાર સુધીમાં જીજી હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુના કુલ 76 કેસ નોંધાયા છે.