Mysamachar.in-જામનગર:
જામનગરમાં અંધાશ્રમ વિસ્તાર નજીક આજથી 24 વર્ષ અગાઉ મહાનગરપાલિકાએ પ્રથમ વખત આવાસ યોજનાનું નિર્માણ કરેલું. આ યોજનાના ઘણાં આવાસ જર્જરિત થતાં વર્ષ 2016થી અહીં આવા જર્જરિત આવાસોના રહેવાસીઓને મકાનો ખાલી કરી આપવા અંગે, દર વર્ષે ચોમાસા પૂર્વે નોટિસ આપવામાં આવે છે. હાલ અહીં ડીમોલિશન ચાલી રહ્યું છે.
મહાનગરપાલિકાના સ્લમ શાખાના નાયબ ઈજનેર અશોક જોષી જણાવે છે: અહીં 1404 આવાસ યોજનામાં બ્લોક નંબર 71 અને 72 વધુ જર્જરિત અને જોખમી હોવાથી હાલ ડીમોલિશન કામગીરીઓ કરવામાં આવી રહી છે. કાલે શુક્રવારે પણ આ કામગીરીઓ થઈ અને આજે શનિવારે સવારથી પણ અહીં આ કામગીરીઓ કરવામાં આવી રહી છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, આવાસોના રહેવાસીઓના એસોસિએશન દ્વારા સહયોગ મળી રહ્યો છે. તેઓ જેમ જેમ ફ્લેટસ ખાલી કરી આપશે તેમ તેમ વધુને વધુ જર્જરિત મકાનોને તોડી પાડવાની આ કામગીરીઓ ચાલુ રાખવામાં આવશે અને એ રીતે આ જોખમી વસાહતને સેફ સ્ટેજ સુધી લઈ જવામાં આવશે.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, વાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોની હોય કે પછી કોર્પોરેશન હસ્તકના જર્જરિત આવાસોની- જામનગર શહેરમાં હજુ સુધી રાજ્ય સરકારની રિડેવલપમેન્ટ પોલિસીનો સફળ અમલ થઈ શક્યો નથી. કોઈ ધંધાર્થીઓ આ યોજનામાં કામ કરવા હજુ સુધી તૈયાર થયા નથી. રાજ્યના અન્ય શહેરોમાં રિડેવલપમેન્ટ યોજના અમલી બની રહી છે. જામનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનોના રહેવાસીઓને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થાઓ કરી આપવામાં આવી છે. 1404 આવાસોના રહેવાસીઓને આવી કોઈ વ્યવસ્થાનો લાભ મળેલ નથી. કેટલાંક ગરીબ પરિવારોની હાલાકીઓ દર્દનાક હોવાનું બહાર આવ્યું છે. જો કે, મહાનગરપાલિકા ડીમોલિશન કામગીરીઓ આગળ વધારવામાં જ વ્યસ્ત છે.