Mysamachar.in-ગાંધીનગર;
તાજેતરમાં પાટનગર ખાતે ઉચ્ચકક્ષાની એક બેઠક યોજાઈ હતી, જેમાં બહાર આવેલી માહિતીઓ અનુસાર, રાજ્યમાં રૂ. 43,000 કરોડનો ખર્ચ ધરાવતાં 165 પ્રોજેક્ટ ટલ્લે ચડી ગયા છે, ? આ માટે 2 કારણ મુખ્ય છે. આ બેઠક સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, બેઠકમાં થયેલી ચર્ચાઓ અનુસાર આ પ્રકારના વિલંબ માટે જમીન સંપાદન પ્રક્રિયાઓ અને વહીવટી શિથિલતા જવાબદાર છે.
આ બેઠકમાં, આ પ્રકારના ટલ્લે ચડી ગયેલા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી. સરકારે આ સંબંધે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. સૂચનાઓ એવી છે કે, પ્રોજેક્ટ આડેના અવરોધો દૂર કરવા તાત્કાલિક નિર્ણયો લ્યો. અને, વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન અસરકારક બનાવો.
લંબિત સ્થિતિઓમાં અટકી-લટકી પડેલાં આ 165 પ્રોજેક્ટ પૈકી સૌથી વધુ 49 પ્રોજેક્ટ પાણીપૂરવઠા વિભાગના છે. બીજા ક્રમે માર્ગ મકાન વિભાગ (31) અને ત્રીજા ક્રમે 21 પ્રોજેક્ટ સાથે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ છે અને આ ઉપરાંત રેલ્વે (15), શહેરી વિકાસ (10) તથા અન્ય વિભાગોના કુલ 36 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
આ પ્રકારના વિલંબને કારણે રાજ્ય સરકારને આ તમામ પ્રોજેક્ટમાંથી મળનારી સૂચિત અને સંભવિત આવક ગુમાવવી પડી રહી છે. રાજ્યની આર્થિક રફતાર વધી શકી નથી. GST સહિતની ઘણી આવકો આ પ્રોજેક્ટ્સમાંથી મળી શકે. આ પ્રકારના પ્રોજેક્ટને પાટે ચડાવવા સરકારે સંબંધિત વિભાગોને તાલમેલ વધારવા તથા ઝડપી નિર્ણયો લેવા જણાવ્યું છે.


