Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે વાહવાહી મેળવવા પોલીસ ઘણાં કિસ્સાઓમાં છૂટીછવાઈ રીતે અને ઘણી વખત પત્રકાર પરિષદમાં પણ એમ જાહેર કરતી હોય છે કે, ફલાણા કાતિલ ગુનેગાર અથવા ફલાણી ખોફનાક ગેંગની ‘મોડસ ઓપરેન્ડી’નો બારીકાઈથી અભ્યાસ કરી, ચોક્કસ વ્યૂહરચનાઓના આધારે પોલીસ ગુનેગાર અથવા ગેંગ સુધી પહોંચવામાં સફળતા હાંસલ કરી શકી છે.
ગુનેગારોની મોડસ ઓપરેન્ડી અંગે લોકોને જ્ઞાન પીરસતી પોલીસની કાર્યપ્રણાલી પણ ઘણી વખત ચોક્કસ ‘મોડસ ઓપરેન્ડી’ તરીકે લોકોમાં ચર્ચાઓમાં રહેતી હોય છે અને તેને કારણે લોકોમાં ચોક્કસ પ્રકારના (પોલીસની નિષ્ફળતા કે નિષ્ક્રિયતા) બનાવો અંગે લાંબો સમય સુધી ચકચાર મચેલી રહેતી હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરના બે ચકચારી પ્રકરણ એવા છે જેમાં કાતિલ હત્યારા સહિતના કુલ બે આરોપીઓના કોલર સુધી, ફિલ્મી અંદાજમાં જે કહેવાય છે એ, પુલીસ કે લંબે હાથ પહોંચી શક્યા નથી એ બાબત લાંબા સમયથી ચર્ચાઓમાં છે.

જામનગર શહેરના રાજ પાર્ક વિસ્તારમાં 12 વર્ષની એક માસૂમ બાળાને એક નરાધમ કાતિલે અત્યંત ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી દીધેલી અને સમગ્ર હાલારમાં આ ઘટનાએ સનસનાટી મચાવી દીધેલી.19મી માર્ચે આ ક્રૂર અને કાતિલ ઘટના જાહેર થઈ હતી, આજે 20 મે છે, આજે આ બનાવને 62મો દિવસ, આ કાતિલ હત્યારો હજુ સમાજમાં છૂટો ફરી રહ્યો છે ! લોકો આ બાબતને અચરજ તરીકે જોઈ રહ્યા છે.
લોકો વિચારી રહ્યા છે: પોલીસ અવારનવાર જાહેર કરતી હોય છે, અમારી પાસે ખાનગી બાતમીદારોનું વિશાળ નેટવર્ક છે, અમે સતત ટેક્નિકલ ડેટાનો અભ્યાસ કરી રહ્યા હોઈએ છીએ, મેન્યુઅલ અને ટેક્નિકલ સર્વેલન્સ થતું હોય છે, પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બાબતો અને શખ્સોની ચકાસણીઓ અને પૂછપરછ થતી હોય છે, નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી લેવા ખાસ ટીમોની રચના કરવામાં આવે છે, આરોપીઓના સગડ દબાવવા સેંકડો CCTV ફૂટેજની ચકાસણીઓ કરવામાં આવતી હોય છે, અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોની પોલીસનો પણ ચોક્કસ કિસ્સાઓમાં સંપર્ક કરી આરોપીઓને દબોચી લેવામાં આવે છે અને જરૂર પડ્યે ચોક્કસ સ્વાંગ ધારણ કરી ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવે છે. આ પ્રકારની અથવા અન્ય કોઈ પ્રકારની એક પણ પોલીસ વ્યૂહરચનાઓ આ મર્ડર કેસમાં હજુ સુધી પરિણામ લાવી શકી ન હોય, લોકોમાં જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે અને પોલીસ મોડસ ઓપરેન્ડી અંગે સવાલો ઉઠી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ રાજ પાર્ક મર્ડર કેસનો હત્યારો સામાન્ય ગુનેગાર નથી, રીઢો ગુનેગાર છે, પોતાની પત્નીની હત્યામાં અગાઉ તે સજા કાપી ચૂકેલો ખોફનાક ગુનેગાર છે, પોલીસ પાસે તેની બધી જ માહિતીઓ રેકોર્ડ પર હોય. આ હત્યારાના સંભવિત આશ્રય સ્થાનો અંગે પણ પોલીસ પાસે ઘણી વિગતો હોય શકે. આ ઉપરાંત આ કેસની મૃતક માસૂમ બાળાનો પિતા અને આ હત્યારો અગાઉ ટ્રક ડ્રાઇવિંગ સાથે જ કરતાં હતાં, આ હત્યારાને આ વિસ્તારમાં ભાડાનું મકાન પણ મૃતકના પિતાએ જ જેતે સમયે અપાવેલું. આમ મૃતકના પરિવારના આધારે પણ આ હત્યારા સુધી પોલીસ પહોંચી શકે એવી પણ શકયતાઓ છે, આમ છતાં આ કાતિલ ગુનેગાર હવામાં અદ્રશ્ય શા માટે ?! આ પ્રશ્ન ચર્ચાઓમાં છે.
અન્ય એક મામલો પણ જાણવાલાયક છે. જામનગર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીને જાનથી મારી નાંખવાની અને મોટી ખંડણી માટેની ધમકી આપવા અંગે હાલના એક નગરસેવિકાના પતિ- જાણીતા રાજકીય કાર્યકર- પૂર્વ નગરસેવક વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી, તેને પણ લાંબો સમય થઇ ગયો છે, ફરિયાદી અધિકારીના જાન પર જોખમ છે, આરોપીની આગોતરા જામીન અરજી પણ નામંજૂર થઈ છે- આમ છતાં આ આરોપી લાંબા સમયથી અદ્રશ્ય હોય, પોલીસની નિષ્ઠા અને આવડત ચર્ચાઓમાં છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસની મોડસ ઓપરેન્ડી અંગે અન્ય એક મુદ્દો પણ ચર્ચાઓમાં છે. સામાન્ય રીતે ચોરીઓ વગેરેના કેટલાંક આરોપીઓ સુધી પોલીસ પહોંચી ચૂકી હોય, એવા સમયે તે ગુનેગાર કે ગુનેગારો વિરુદ્ધ ધડાધડ ફરિયાદો અચાનક દાખલ થતી હોય છે, એવું કાયદાકીય નિષ્ણાતોનું નિરીક્ષણ હોય છે અને આવા કેટલાંક કિસ્સાઓમાં અમે ફલાણાં ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે, એવી વાહવાહી માટેની જાહેરાતો થતી હોય છે, ફોટા અને વીડિયોઝ ધડાધડ ફરતાં થતાં હોય છે અને પોલીસની પીઠ થાબડવાની કવાયતો ચાલતી રહેતી હોય છે, પોલીસને સારી કામગીરીઓ બદલ ઈનામોની જાહેરાતો પણ થતી હોય છે, ત્યારે લોકોમાં ચર્ચાઓ એ ઉઠે છે કે, ચોક્કસ પ્રકારના ગંભીર મામલાઓમાં આ જ બાહોશ પોલીસ સફળતાથી શા માટે દૂર રહી જતી હોય છે ?!
લોકોના જાન-માલની સલામતી સામે સવાલો ઉઠતાં હોય તેવા બનાવો અને ગુનાઓ બની રહ્યા હોય એવી સ્થિતિમાં પોલીસ કામગીરીઓનો સફળતાનો દર ઉંચો થઈ શકે તો, લોકો વધુ સલામતીનો અહેસાસ કરી શકે. આ માટે જરૂરી સ્તરેથી યોગ્ય અને તાકીદના આદેશ છૂટે એવી લોકોને સ્વાભાવિક રીતે જ અપેક્ષાઓ હોય છે. આવું થશે ? કયારે થશે ? એવા સવાલો ચર્ચાઓમાં અવારનવાર ઉઠી રહ્યા છે.
