Mysamachar.in-અમદાવાદ:
છેલ્લા કેટલાંક વર્ષોથી સમાજમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, તેની સાથેસાથે પાછલાં 10 વર્ષ દરમિયાન આ બંને પ્રકારના કેન્સરને કારણે થઈ રહેલાં મોતની સંખ્યા પણ વધી રહી છે, જે ચિંતાપ્રેરક બાબત લેખાવી શકાય. આમ જૂઓ તો, દેશભરમાં આ પ્રકારના આંકડા જોવા મળે છે. જો કે સરખામણીએ ગુજરાતના આંકડા નાના છે પણ દસ વર્ષ દરમિયાન થયેલાં આ પ્રકારના મોતની સંખ્યા ગુજરાતમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વધી છે, જે ચિંતાજનક તો છે જ.
માત્ર ગુજરાતની વાત કરીએ તો, 2014થી 2023 દરમિયાન રાજ્યમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરના દર્દીઓના મોતના કિસ્સાઓમાં 27 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. આખા દેશમાં આ વધારો 26 ટકા આસપાસ છે, મોટાં રાજ્યોમાં આંકડા વધુ મોટા છે.લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સરના દર્દીઓના મોતના આંકડામાં ગુજરાતનો નંબર જો કે નવમો છે, વધુ વસતિ ધરાવતાં ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ આંકડા બહુ મોટા છે. ગુજરાતમાં આ 10 વર્ષનો મોતનો આંક 4,280 છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દેશવિદેશ બધે જ આ બંને પ્રકારના કેન્સરની સારવારમાં એલોપથીની જગ્યાએ આયુર્વેદીક સારવારનું પ્રમાણ પણ વધી ગયું છે. ઘણાં સંશોધનો થયા છે અને થઈ રહ્યા છે. જો કે, આમ છતાં આ દર્દીઓનું મોતનું પ્રમાણ તો વધતું જ રહ્યું છે. નિષ્ણાંતો કહે છે: વસતિ વધી રહી છે અને જાગૃતિ વધતાં સારવાર લેનારાની સંખ્યા પણ વધી છે. ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી કહે છે, 40 વર્ષથી વધુ વયના દરેક મહિલાએ દર વર્ષે બ્રેસ્ટ કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી કરાવવી જોઈએ.(symbolic image source:google)