Mysamachar.in-અમદાવાદઃ
સુરતના લીંબાયતમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ગુનાના આરોપી અનિલ યાદવને સેશન્સ કોર્ટે આપેલી ફાંસીની સજાને હાઇકોર્ટે પણ યથાવત રાખી છે. ઘટના બાદ શહેર તથા રાજ્યભરમાં લોકોમાં રોષની લાગણી પ્રવર્તી હતી અને આરોપીને ઝડપથી સજા કરવાની માગ કરી હતી. તો પોલીસ સ્ટાફે પણ જઘન્ય કૃત્યની ગંભીરતા ધ્યાને રાખી દિવસ રાત એક કરી આરોપી વિરુદ્ધ પૂરાવા એકત્રિત કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસમાં 35 સાક્ષીઓ ચકાસાયા એક જ મહિનામાં ચાર્જશિટ થઇ રોજેરોજ કેસનું હિયરિંગ થયું ઉપરાંત પોલીસે પણ ઝડપથી પુરાવા એકત્રિત કરીને કોર્ટમાં સબમિટ કર્યા અને પાંચ જ મહિનામાં ટ્રાયલ પૂરી થઇ.
લીંબાયતમાં રહેતો 26 વર્ષિય આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી વતન નંદુરબાર ભાગી ગયો હતો. કેસની ગંભીરતા ધ્યાને રાખી પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાદમાં ગણતરીના સમયગાળામાં જ આરોપીની બિહારથી ધરપકડ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ કરાઇ અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
સજા પહેલા કોર્ટે કહ્યું કે…
ઘટનાના 290 દિવસ બાદ 31 જુલાઈના રોજ અનિલ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કરતા કહ્યું હતું કે પહેલાંના જમાનામાં રાક્ષસો બાળકોને ઉપાડી જતા હતા એ વાર્તા આવતી હતી. આ તો રાક્ષસી કરતાં પણ વધુ જઘન્ય કૃત્ય છે. એમાં આજીવન કેદ કરતા મૃત્યુદંડની સજા જ યોગ્ય છે. આરોપીની માનસિકતા પણ અહીં જોવાની જરૂર છે. હવે સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે.