Mysamachar.in-અમદાવાદ:
બુધવારે અમદાવાદમાં એસ્પાયર-2 નામની નિર્માણાધિન ઈમારતમાં લિફટ તૂટવાની દુર્ઘટના સર્જાઈ જેને પરિણામે સમગ્ર રાજ્યમાં બિલ્ડીંગ વ્યવસાયમાં ચકચાર છે. નિયમો, કસૂરવારો અને એફઆઈઆર તથા ધરપકડની ચર્ચાઓ ઘેરી બની રહી છે. આ તકે ગુજરાત સરકાર દ્વારા 2017 માં અમલી બનાવવામાં આવેલ સીજીડીસીઆરનો સંદર્ભ જાણવો જરૂરી બની જાય છે. સરકારના નિયમો શું છે ? આવી દુર્ઘટનાઓમાં જવાબદાર કોણ કોણ હોય છે ? એ જાણકારી હોવી જોઇએ.
સરકારનાં જીડીસીઆર ( જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન) માં રેકોર્ડસ ઓફ પર્સન નામની એક યાદી છે. જેમાં જણાવાયું છે કે, આ પ્રકારની ઈમારતનો માલિક અથવા ડેવલપર, સ્ટ્રકચરલ એન્જિનિયર, સાઈટ એન્જિનિયર, આર્કિટેક્ટ, કામ પરનો ક્લાર્ક અને ફાયર વિભાગના સંબંધિત અધિકારીનો આ યાદીમાં સમાવેશ થાય છે. આ છ પૈકી એક પણ વ્યક્તિને અમદાવાદ કોર્પોરેશને શો-કોઝ નોટિસ આપી નથી. પ્રકરણની તપાસનો આદેશ પણ આપ્યો નથી. માત્ર કોન્ટ્રાકટર ( જીડીસીઆર મુજબ તે માત્ર એજન્સી છે જેનાં કામનું મોનિટરીંગ ઉપરોક્ત ચાર અધિકારીઓએ કરવાનું હોય છે) વિરૂદ્ધ ફરિયાદ થઈ છે. આ કિસ્સામાં ઈમારતમાં ફાયર સેફ્ટી સાધનો પણ ન હતાં. જીડીસીઆર નાં નિયમો મુજબ આ સાધનો હોવાં જોઇએ.
નિયમ એવો છે કે, સલામતી માટેનાં તમામ સાધનો અને વ્યવસ્થા ઓનરની જવાબદારી છે. અને સલામતીનાં નિયમોનું પાલન કરાવવાની જવાબદારી આ અધિકારીઓની છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના સ્થળે કામદારોને હેલ્મેટ આપવામાં આવી ન હતી. સેફટી નેટ પણ ન હતી. આ એક પ્રકારની ગુનાહિત બેદરકારી છે, જેને પરિણામે આ દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા.