Mysamachar.in-અમદાવાદ
અમદાવાદને નજીક આવેલ બોપલ-શીલજ કેનાલ પાસે ડ્રેનેજ લાઈનની સફાઈ અને ફિટીંગનું શરૂ કરવામાં આવ્યું હતું. આ લાઈનમાં કામ કરતાં ત્રણ મજૂરો પાઈપલાઈનના ફિટીંગ અને સફાઈની કામગીરી દરમિયાન દટાઈ ગયા હતાં. આ ત્રણ મજૂરોમાંથી ગૂંગળામણ થતાં ત્રણ મજૂરોનાં મોત થયાં છે. અમદાવાદના બોપલમાં ડ્રેનજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન પાઈપલાઈનનું ફિટીંગ અને સફાઈ કામ થતું હતું. આ દરમિયાન લાઈન ચાલુ કરવાની હતી અને પાઈપમા કચરો ભરાઈ ગયો હતો. જેથી ભરતભાઈ નામનો મજુર ડ્રેનેજમાં ઉતર્યો હતો. ડ્રેનેજમાં ઉતર્યા બાદ થોડી વારમાં ગૂંગળામણને કારણે રાજુભાઈ અને સંદિપભાઈ તેમને બચાવવા માટે ડ્રેનેજમાં ઉતર્યા હતાં.
પરંતું ત્રણેય જણા ડ્રેનેજમાં ઉતરતાં પાઈપલાઈનમાં દટાઈ ગયા હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન ફાયર વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને ડ્રેનેજમાં દટાયેલા મજૂરોને દોરડાથી બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. ફાયરના જવાનોએ બે મજૂરોને પાઈપલાઈનમાંથી બહાર કાઢ્યા હતાં. બહાર કાઢવામાં આવેલા બે મજૂરોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.