હિન્દી, દક્ષિણ ભારતીય અને અંગ્રેજી ફિલ્મોમાં ઘણી વખત જોવા મળતું હોય છે કે, મર્ડરના ગુનાને અન્ય કોઈ રીતે ઢાંકી દેવામાં આવતો હોય છે, અને મૃતકનું મોત અન્ય કારણસર થયાની વારતા આગળ વધારવામાં આવતી હોય છે. આવો એક બનાવ જાહેર થયો છે, જેમાં જામનગર ખાતે એક મૃતદેહનું પોસ્ટમોર્ટમ થતાં- મોતનું અસલી કારણ ‘મર્ડર’ હોવાની વિગતો સામે આવતાં સનસનાટી મચી ગઈ છે.
આ મામલાની અત્યાર સુધીમાં જાહેર થયેલી વિગતો અનુસાર…આ મામલો પોરબંદર નજીકના છાયા વિસ્તારનો છે. છાયા ચોકી નજીક ભારતીય વિદ્યાલય નામની એક સંસ્થા પાસે રહેતાં 42 વર્ષના રાકેશ કિશોરભાઈ વિઠ્ઠલાણીનું આજથી આશરે 2 મહિના અગાઉ મૃત્યુ થયેલું. આ યુવાનને જેતે સમયે પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેનું મોત થયું ત્યારે હોસ્પિટલ સત્તાવાળાઓએ સ્થાનિક પોલીસમાં જાહેર કર્યું કે, રાકેશભાઈનું મોત લિવરની બિમારીને કારણે થયું છે.
મૃતકને જે સમયે બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો ત્યારે, મૃતકના માતા દક્ષાબેન એમ બોલ્યા હતાં કે, બનાવના દિવસે બપોરે અઢી ત્રણ વાગ્યે મારો પુત્ર રાકેશ તેના મિત્ર સાથે અમારાં ઘર નજીક ઉભો હતો ત્યારે, બંને મિત્ર વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી. બાદમાં ઝઘડો ઉગ્ર બન્યો. મારામારી થઈ. આ વિસ્તારની કચરાપેટી નજીક રાકેશ બેભાન હાલતમાં નીચે પડી ગયો કારણ કે તેને બેફામ માર મારવામાં આવ્યો હતો. બાદમાં રાકેશને હોસ્પિટલ લઈ જવામાં આવેલો.
દક્ષાબેન વધુમાં કહે છે: માર મારનાર શખ્સે મને કહેલું કે, ‘તારાં દીકરાને મેં માર્યો છે, ત્રેવડ હોય તો ફરિયાદ કરજે.’ આટલું કહ્યા બાદ દક્ષાબેનને ધમકી પણ આપવામાં આવતાં દક્ષાબેને પોલીસમાં જેતે સમયે રજૂઆત પણ કરી હતી. પરંતુ તે સમયે પોલીસે હોસ્પિટલના કહેવા અનુસાર બિમારીથી મોત થયાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ આ મામલે મૃતકના ભાઈ હીરેન દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
દરમ્યાન, હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી ત્યારે આરોગ્ય સત્તાવાળાઓએ જાહેર કર્યું કે, સાંજે 6 કલાકે રાકેશનું મોત થયું. એ અગાઉ એક વર્ષથી જામનગરની જીજી હોસ્પિટલમાં રાકેશની લિવરની બિમારીની દવાઓ ચાલુ હતી. રાકેશને દારૂ પીવાની આદત હતી. આથી મોત ક્યા કારણસર થયું તે જાણવા જામનગરની મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં રાકેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું. આ પોસ્ટમોર્ટમ નોટમાં લખ્યું છે કે, મૃતકને પેટના અંદરના ભાગે ઈજાઓ થવાથી મોત થયું.
આ મામલાના CCTV ફૂટેજમાં દુકાન નજીક વિજય પરમાર નામની વ્યક્તિ પણ હતી. તેના કહેવા પ્રમાણે, તેણે આ બનાવ નજરે જોયો. આ ઉપરાંત રાકેશના મોત બાબતે પરિવારજનોને શંકાઓ હતી તેથી ફરિયાદીએ પોતાની રીતે તપાસ કરી તો વિગતો મળી કે, છાયા વિસ્તારમાં પાટા નજીક રહેતાં પરેશ ઉર્ફે પરયો ઉર્ફે લાંબો પરબત ગરચર નામના શખ્સ સાથે રાકેશને બોલાચાલી થઈ હતી. આ શખ્સે બારીના ધોકાથી માર મારતાં રાકેશનું મોત થયાનું પોલીસમાં જણાવી હીરેન વિઠ્ઠલાણીએ પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે.