Mysamachar.in:જામનગર
સમગ્ર રાજયની સાથેસાથે જામનગર શહેર જિલ્લામાં પણ મેઘરાજા ભાદરવામાં સૌને ભીંજવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી જામનગર જિલ્લામાં લગભગ બધાં જ સ્થળોએ મેઘરાજા મહેમાનગતિ માણી રહ્યા છે. જામનગર શહેર આસપાસના વિસ્તારો પ્રત્યે મેઘરાજાને વધુ લગાવ હોવાનું હાલ દેખાઈ રહ્યું છે. મંગળવારે જામનગર શહેર ઉપરાંત જામનગર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ મેઘરાજાએ નોંધપાત્ર દેખાવ કર્યો. ખાસ કરીને જામવંથલી પંથકમાં વરસાદના આંકડાઓ ધ્યાન ખેંચનારા છે.
તંત્ર દ્વારા આપવામાં આવેલ સતાવાર રિપોર્ટ કહે છે: આજે બુધવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામનગર તાલુકાના જામવંથલી ખાતે 5.20 ઈંચ જેટલો નોંધાયો છે. આ ઉપરાંત જામવંથલી નજીકના મોટી ભલસાણમાં તથા ફલ્લામાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જયારે અલિયાબાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો છે. જામનગર તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારો મોટી બાણુગારમાં સાડાત્રણ ઈંચ, દરેડમાં ત્રણ ઈંચ જેટલો, લાખાબાવળમાં પોણા બે ઈંચ અને વસઈમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
જોડિયાના પીઠડમાં અઢીઈંચજેટલો વરસાદ, હડિયાણામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલ તાલુકાના લતીપુરમાં ત્રણ ઈંચ વરસાદ,જાલિયા દેવાણીમાં સવા ઈંચ અને લૈયારામાં એક ઈંચ વરસાદ પડયો છે. કાલાવડ તાલુકાના નિકાવામાં પોણાબે ઈંચ જેટલો વરસાદ, ભલસાણ બેરાજામાં દોઢ ઇંચ, મોટા પાંચદેવડામાં એક અને નવાગામમાં પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જયારે લાલપુર તાલુકાના હરિપરમાં અઢી ઈંચ પીપરટોડામાં એક ઈંચ મોટા વરસાદ પડયો છે. જિલ્લાના જામનગર સહિતના 6 તાલુકામથકના આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં ચોવીસ કલાક દરમિયાનના વરસાદના આંકડા આ મુજબ છે. જામનગર સાડાત્રણ ઈંચ, ધ્રોલ બે ઈંચ, જોડિયા સવાઈંચ, કાલાવડ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.