Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં જુદાં જુદાં કારણોસર જમીનમાંથી અબજો લિટર પાણી રોજેરોજ ખેંચી લેવામાં આવે છે. પાણીના આ જથ્થાનો મોટોભાગ એક યા બીજી રીતે, આપણાં આંતરડામાં ઠલવાય છે. આ પાણી આપણાં હ્રદય માટે ‘ઝેર’ છે ! કારણ કે, આ પાણી હ્રદય સંબંધિત બિમારીઓ નોતરી શકે છે અને એ રીતે હ્રદયને કાયમ માટે ધબકતું બંધ પણ કરી શકે. જામનગર સહિત સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ જોખમ છે- તેમ ભારત સરકારનો એક રિપોર્ટ કહે છે.
ભારત સરકારના કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલાં એક રિપોર્ટમાં જણાવાયા અનુસાર, ગુજરાતમાં ભૂગર્ભ જળ ધરાવતા વિસ્તારો પૈકી 27 ટકા વિસ્તાર એવા છે, જેના ભૂગર્ભ જળની હાલત ખરાબ છે. આ પાણીમાં એવા ખતરનાક તત્ત્વો છે, જે તમારાં હ્રદય માટે ગંભીર બિમારીઓ નોતરી શકે. જામનગર જિલ્લાનો આ ‘જોખમી’ ક્ષેત્રમાં સમાવેશ થાય છે.
ગુજરાતના 33 પૈકી જામનગર સહિત 25 જિલ્લાના ભૂગર્ભ જળમાં એવા હાનિકારક તત્ત્વો મળી આવ્યા છે, જે રસાયણો જોખમી છે. આ યાદીમાં રાજકોટ, કચ્છ અને વડોદરાનો પણ સમાવેશ છે. એન્યુઅલ ગ્રાઉન્ડ વોટર કવોલિટી રિપોર્ટ-2024 કહે છે: ગુજરાતમાં 632 સેમ્પલ પૈકી 124 એટલે કે, 20 ટકા સેમ્પલમાં ભૂગર્ભ જળમાં હાનિકારક રસાયણો મળી આવ્યા છે. હ્રદય સંબંધિત ગંભીર બિમારીઓ નોતરી શકે એવા ભૂગર્ભ જળમાં ઈલેક્ટ્રીસિટીની વાહકતા 3,000 ઓમ પર સેન્ટીમીટર હોય છે. આ ભૂગર્ભ જળમાં ક્ષાર અને અન્ય રસાયણોનું પ્રમાણ વધુ હોય છે.
આ પાણીમાં રહેલાં આ પ્રકારના રસાયણો હાડકાંની બિમારીઓ, અચાનક બેભાન થઈ જવું અને હ્રદય સંબંધિત બિમારીઓ આપી શકે છે. હ્રદય માટે ખૂબ જ સંવેદનશીલ ભૂગર્ભ જળ ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ છે. આ પ્રકારના પ્રદૂષિત પાણીથી કેન્સર, નાક તથા આંખમાં બળતરા, હાડકાંની બિમારીઓ વગેરે રોગો વધે છે.
ભૂગર્ભ જળની કવોલિટી અતિશય ખરાબ શા માટે બની જાય છે ? આ રહ્યા કારણો: વધુ પડતાં ઉદ્યોગોને કારણે ભૂગર્ભ જળ દૂષિત થઈ જાય છે. ખેતીમાં ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બેફામ ગતિએ થઈ રહ્યો હોય, પાણીની કવોલિટી કથળી ગઈ. આ ઉપરાંત વધતા જતાં શહેરીકરણને કારણે ઘન તથા પ્રવાહી કચરા અને ગંદકીનો નિકાલ થતો નથી અને વાતાવરણમાં જે પરિવર્તનો આવી રહ્યા છે, તેની અસરો પણ ભૂગર્ભ જળ પર થઈ રહી છે.