Mysamachar.in-જામનગર :
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, શેરી ગલીની ગરબીઓથી માંડીને વિશાળ રિસોર્ટમાં ખેલાતાં દાંડીયા મહોત્સવ સુધીના કાર્યક્રમોના આયોજકો પોલીસ મંજૂરીઓથી માંડીને મનોરંજન, GST અને કોર્પોરેશનની ફૂડ શાખામાંથી ફૂડ સ્ટોલના લાયસન્સ મેળવવા સુધીની પ્રક્રિયાઓ માટે દોડધામમાં વ્યસ્ત છે.
નવરાત્રિ દરમિયાન શહેરની અંદરના અને શહેરની બહારના પ્રત્યેક મેદાનમાં, પાર્ટી પ્લોટમાં, હોટેલોમાં, કલબોમાં અને રિસોર્ટમાં મોટાં ધંધાદારી આયોજનો માટે ઘણાં દિવસોથી દોડધામ ચાલુ છે. આ ઉપરાંત શહેરના અમુક વિસ્તારોમાં કોર્પોરેશન કે પોલીસની મંજૂરીઓ વિના જ રાત્રિબજારો પણ ધમધમશે. આ નવેનવ રાત્રિ દરમિયાન, હજારો ખેલૈયા અને લાખો દર્શકો મોડી રાત સુધી નવરાત્રિ માણશે.

આ વખતે તો સરકારે સવારે પાંચ વાગ્યા સુધી ‘રમવા’ની છૂટ આપી દીધી છે એટલે સેંકડો સ્થળોએ, લાખો લોકો આખી રાત ખાણીપીણીની પણ મોજ માણશે, કેમ કે મોડી રાત અથવા વહેલી સવાર સુધી જે લોકો જાગે તેઓ નાસ્તાપાણી કર્યા વગર રહે જ નહીં અને નગરજનો ખાવાપીવાના કેવા શોખીન છે, એ સૌ જાણે છે. આથી તમામ મોટાં અને ધંધાદારી નવરાત્રિ આયોજનો અને રાત્રિબજારોમાં ફૂડ સ્ટોલ અને લારીઓની રંગત જામશે.
પાર્ટી પ્લોટ, ક્લબ કે હોટેલ રિસોર્ટ અને મોટાં મેદાનોમાં યોજાનારા નવરાત્રિ મહોત્સવના દરેકેદરેક ફૂડ સ્ટોલ ધારકે FSSAI ની સાઈટ પર જઈ કોર્પોરેશનની ફૂડ શાખાનું લાયસન્સ મેળવવાનું રહેશે, તમામ શરતોનું પાલન કરવાનું રહેશે અને જો આવા સ્ટોલધારકો નિયમભંગ કરે તો, આ સ્ટોલ કોર્પોરેશન બંધ પણ કરાવી શકે, એવો કેન્દ્ર સરકારનો પણ નિયમ છે.
-જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના ફૂડ સેફટી ઓફિસર દશરથ પરમારે Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું કે….
આ પ્રકારના તમામ ફૂડ સ્ટોલ ધારકોએ લાયસન્સ મેળવ્યા છે કે કેમ, લાયસન્સની શરતોનું ખાણીપીણીના સ્થળોએ પાલન થાય છે કે કેમ અને આવા સ્ટોલ તથા લારીઓ પર પીરસાતા ખાદ્ય અને પેય પદાર્થોની ગુણવત્તાની સતત ચકાસણીઓ કરવામાં આવશે, નમૂનાઓ લેવામાં આવશે, ખાણીપીણીના સ્થળોએ સ્વચ્છતા તથા હાઈજિન વાતાવરણ માટે કાળજી લેવામાં આવે છે કે કેમ વગેરે બાબતોની નવેનવ રાત્રિ દરમિયાન કડક ચકાસણીઓ હાથ ધરવામાં આવશે. કેમ કે, મોડી રાતે પીરસાતા અને આરોગાતા ખાદ્ય પદાર્થોની ચકાસણીઓ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, કેમ કે આવા પદાર્થો ફૂડ પોઈઝનિંગ સહિતની તકલીફો ઉભી કરી શકતા હોય છે. આ ઉપરાંત સરકારની સૂચનાઓ મુજબ, ફૂડ શાખા દ્વારા તારીખ 3 થી 17 ઓક્ટોબર દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈ વિશેષ પખવાડિયું પણ ઉજવવામાં આવશે. શહેરમાં પણ બધાં જ સ્થળોએ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવશે.(file image)
