Mysamachar.in-જામનગર:
આ વર્ષે ચોમાસામાં સર્વત્ર સારો વરસાદ થતાં સૌ ખુશહાલ જોવા મળતાં હતાં, એ દરમિયાન રાજ્યના હાલાર સહિતના ઘણાં બધાં જિલ્લાઓમાં ઓછાં કલાકોમાં અને ઓછાં દિવસોમાં, વધુ પડતો વરસાદ વરસી પડતાં અતિવૃષ્ટિ આવી પડી. વાડી અને ખેતરોમાં દિવસો સુધી પાણી ભરાયેલા રહ્યા. ચારે તરફ લીલા દુષ્કાળની રાડ ઉઠી. સહાયની માંગ થઇ. સર્વે થયો. જો કે, માથે દીવાળી આવી ગઈ ત્યાં સુધી હજુ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી નથી, ત્યાં નવરાત્રિ દરમિયાન અને દશેરાથી આજે શરદપૂર્ણિમા દરમિયાન રાજ્યના જામનગર અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં ફરી વરસાદ પડતાં, પડ્યા પર પાટુ જેવી સ્થિતિઓ છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પાછલાં ચાર દિવસ દરમિયાન પણ, વધુ એક વખત વરસાદી રાઉન્ડ ચાલુ છે. આ પાછોતરા વરસાદને કારણે, ખેડૂતોના વાડી ખેતરોમાં પડેલાં મગફળીના પાથરાંને ફરી નુકસાન થયું. કપાસનો પાક છોડ પર ખૂલી ગયો છે અને વરસાદ તેને નુકસાન પહોંચાડી રહ્યો છે. હજુ એક સહાય મળી નથી ત્યાં, ફરી એકવાર આ રીતે વરસાદથી નુકસાન થતાં, આ છેલ્લા નુકસાનને સહાયમાં ધ્યાન પર લેવું કે કેમ ? તે અંગે સરકારમાં ગડમથલ ચાલી રહી છે. દરમિયાન, આજે બુધવારે બપોરે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક છે, તેથી સૌની એટલે કે, ખાસ કરીને ખેડૂતોની નજર એ મુદ્દા પર છે કે, આ કેબિનેટ બેઠક બાદ નુકસાન સહાય અંગે શું જાહેરાત થશે ?

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે 66,130 હેકટર જમીન પર ઉભેલાં પાકોને નુકસાન થયું છે, એમ સર્વે બાદ જાહેર થયેલું છે. જેની સહાય મળવાની હજુ બાકી છે. ખેડૂતોને સહાયના ધોરણો મુજબ, 30 ટકાથી વધુ નુકસાન થયાનું બહાર આવ્યું છે. દરમિયાન, હાલ ફરી એકવાર વરસાદ વરસતાં ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિઓ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થયેલી. જિલ્લામાં 47 ટીમોએ 418 ગામોનો સર્વે કર્યો હતો. ખેતીને કરોડોનું નુકસાન થયેલું. અને, તાજેતરમાં પણ ઉપરાઉપરી બે વખત જિલ્લામાં સવા બે અઢી ઈંચ જેટલાં વરસાદથી ફરી નુકસાન થયું. હજારો ખેડૂતોની નજર આજની કેબિનેટ બેઠકમાં નુકસાન સહાય અંગે શું જાહેરાત થાય છે, તેના પર છે.
