Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા શહેરમાં જામનગર તરફથી આવતા પ્રવેશ માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજની બંને બાજુ મજબૂત રસ્તા બનાવવાના બદલે એક તરફ કાચો અને તદ્દન ખખડધજ રસ્તો હોવાથી હાલ ચોમાસામાં પાણી ભરાતા આ સ્થળે અવારનવાર વાહનો ખૂંપી જવા તેમજ નાની કારના આખા વ્હીલ ડૂબી જાય તેટલા ખાડા હોવાથી દરરોજ નાના-મોટા અકસ્માત જેવા બનાવો બની રહ્યા છે.આ સ્થળે એક બાજુ ચાલતા વાહનોમાં મોટરસાયકલ ફસડાઈ પડવા તેમજ દરરોજ ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાય છે.
ખંભાળિયા પંથકમાં વરસાદની સમીક્ષા કરવા માટે ગઈકાલે બુધવારે અહીં આવેલા પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજાને આ ગંભીર મુદ્દે રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને આ અંગે તુરંત જ કાર્યવાહી કરવા જણાવાયું હતું.ખંભાળિયા નજીકના ઓવરબ્રિજ પાસેના રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાથી શહેરમાં પ્રવેશ કરતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય, આ અંગે અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.