Mysamachar.in:અમદાવાદ
સિંહ ઘાસ ન ખાય, એવું કાઠિયાવાડ અને સોરઠ તથા ઝાલાવાડ તેમજ ગોહિલવાડમાં આપણે ઘણાં લોકોનાં મોઢે સાંભળતા હોઈએ છીએ. પરંતુ કાલે સોમવારે હાઈકોર્ટમાં એ મતલબની જાહેર હિતની અરજી દાખલ થઈ જેમાં કહેવાયું છે કે, સાસણગીરના ડાલામથ્થા એટલે કે સિંહ ‘ગટરનું પાણી’ પીએ છે !!સોમવારે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, સાસણગીરના વિસ્તારમાં આવેલી હિરણ નદીનાં પ્રદૂષણ મુદ્દે અદાલતે સંબંધિતોને કાંઈક નિર્દેશ આપવા આવશ્યક છે. અદાલતની દરમિયાનગીરી આવશ્યક હોવાનું જણાવતી આ પિટીશનમાં કહેવાયું છે કે, હિરણ નદીમાં ગટરોનાં પાણી ઠલવાઈ રહ્યા છે. ગીરનું તથા ગુજરાતનું ગૌરવ એવાં સિંહ આ હિરણ નદીનું પાણી પીએ છે.
અરજદાર ઈરફાન ભાંગાણીએ હાઈકોર્ટમાં કહ્યું છે કે, સાસણ પંથકની તાલાળા નગરપાલિકા સમગ્ર શહેરનું ગંદુ પાણી, ગટરોનું પાણી ટ્રીટમેન્ટ આપ્યા વિના હિરણ નદીમાં તથા ડેમનાં નીચાણવાળા વિસ્તારોમાં છોડે છે ! જેને કારણે હિરણ નદીનો પ્રવાહ તથા ડેમનાં ડાઉનસ્ટ્રીમનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, હિરણ નદીનાં પાણીનો ઉપયોગ માત્ર માનવવસતિ જ નથી કરતી વન્ય પ્રાણીઓ પણ આ પાણીનો ઉપયોગ કરે છે. સમગ્ર વાઈલ્ડ લાઈફને આ પ્રદૂષણની અસરો પહોંચી રહી છે.
અરજદારના વકીલે હાઈકોર્ટમાં કહ્યું : ઘણાં સમયથી આ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.જાહેરહિતની આ અરજીમાં કહેવાયું છે કે, આ મુદ્દે અવારનવાર રજૂઆતો થઈ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. બોર્ડે પ્રદૂષણ મુદ્દે ઘણાં સમય પહેલાં તાલાળા નગરપાલિકાને નોટિસ મોકલાવી હતી પરંતુ ત્યારબાદ કશું જ થયું નથી.
અરજીમાં એમ કહેવાયું છે કે, નગરપાલિકા નદીમાં ગટરોનું પાણી ન છોડે તથા ગટરોનું પાણી સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી તેમાં લઈ જવામાં આવે અને ટ્રીટમેન્ટ બાદ જ પાલિકા આ પાણી નદીમાં છોડે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા પાલિકાને અદાલત દ્વારા જરૂરી નિર્દેશ આપવામાં આવે. સંભવ એવો છે કે, આવતાં સપ્તાહે વડી અદાલત આ જાહેર હિતની અરજી ધ્યાનમાં લેશે, એમ અરજદારના વકીલ માને છે. આ અરજીમાં કહેવાયું છે કે, એક તરફ સરકાર પ્રવાસનને વેગ આપવા છેક આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પ્રયાસો કરે છે, વન્યજીવનને પ્રોત્સાહન આપવા પણ ઘણું થાય છે. બીજી બાજુ સ્થાનિક સ્તરે પ્રદૂષણની સમસ્યાઓ છે ! સ્થાનિક સત્તાવાળાઓ પ્રદૂષણ મુદ્દે ગંભીર નથી. ખુદ સહેલાણીઓ આ પ્રકારના પ્રદૂષણની અસરો અંગે ચિંતિત છે.