Mysamachar.in:ગુજરાત
બિપરજોય વાવાઝોડાંને લઈને સેંકડો પ્રકારના અહેવાલો અને બિનસત્તાવાર અટકળો તથા સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને વીડિયોઝ વાવાઝોડાંની માફક ફૂંકાઈ અને ફેંકાઈ રહ્યા છે ! બીજી તરફ હકીકત એ પણ છે કે, ભારતીય હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ફોરકાસ્ટ બુલેટિન, છેલ્લે સવારે 08/45 વાગ્યે જાહેર થયેલું. ત્યારબાદ, બપોરે 12/25 વાગ્યા સુધીમાં હવામાન વિભાગે કોઈ જ સત્તાવાર આગાહી કરી નથી.
સવારે 08/45 વાગ્યે થયેલી જાહેરાત મુજબ, વાવાઝોડાનું લેન્ડ ફોલ કચ્છનાં માંડવી અને કરાંચી વચ્ચે ગમે ત્યાં થઈ શકે છે. આ લેન્ડ ફોલ પંદરમી જૂને શકય છે એમ જણાવ્યું છે પરંતુ લેન્ડ ફોલ કચ્છમાં જ થશે એવી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. તેનો અર્થ એ થાય કે, દરિયાઈ ચક્રવાત દિશા બદલી શકે છે, પાકિસ્તાન તરફ ફંટાઈ શકે છે. ગુજરાત, ભારત બચી જાય એમ પણ બને. દરમિયાન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર વરસાદ વરસે અને વાવાઝોડું નજીકથી પસાર થતાં માત્ર પવન ફૂંકાય એવું પણ બને.
સવારે આ આગાહીમાં હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, દરિયાઈ ચક્રવાત જ્યાં પણ લેન્ડ ફોલ થશે ત્યાં વાવાઝોડાં દરમિયાન પવનની ગતિ 125-135-150 કિમી રહી શકે છે. આથી વિશેષ કોઈ કોમેન્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.






