Mysamachar.in-જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં અને દેશભરમાં સાયબર ક્રાઇમનો આંક સતત વધી રહ્યો છે. સરકારી સ્તરે આ માટે લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે અને આ પ્રકારના ગુનાઓ અંગે સમાચારો મારફતે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવતી હોવા છતાં ઘણાં લોકો સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે. જામનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં આ પ્રકારના આરોપીઓ વિવિધ રીતે જાળ બિછાવી લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ મોડસ ઓપરેન્ડી જાણવા જેવી છે, જેમાં માલવેરનો પણ દુરૂપયોગ થતો હોય છે અને બનાવટી એપ્લિકેશન દ્વારા પણ છેતરપિંડી થતી હોય છે.
અમદાવાદ સાયબર સેલનો એક રિપોર્ટ જણાવે છે કે, અત્યાર સુધીમાં જે કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે ત્રણ ચોક્કસ પ્રકારના માલવેરનો દુરપયોગ થયાનું ધ્યાનમાં આવ્યું છે. સાયબર સેલનાં જણાવ્યા પ્રમાણે, kutaki – W32 અને snake/RM નામનાં ત્રણ માલવેરનો ઉપયોગ કરીને લોકોનાં ડિજિટલ ડેટાની ચોરી થઇ રહી છે. જામનગરની વાત કરીએ તો, હજુ સુધી માલવેર સંબંધે કોઈ પણ ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી નથી. જામનગરમાં અત્યાર સુધીમાં એનીડેસ્ક તથા ટીમ વ્યૂઅર જેવી એપ્લિકેશન્સનાં દુરૂપયોગથી સાયબર છેતરપિંડી જેવી કે બેંક એકાઉન્ટમાંથી નાણાં સેરવી લેવા વગેરે પ્રકારના સાયબર ગુનાઓને અંજામ આપવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે, એમ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેકટર પ્રેમલ ઝાએ my samachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ માલવેરને ઓળખી કાઢયા છે જે સામાન્ય રીતે યૂઝર્સ ડેટા ચોરી માટે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં હોય છે. વધુમાં જાણવા મળ્યું છે કે, આ પ્રકારના માલવેરની મદદથી કંપનીઓનો ડેટા ચોરી લેવામાં આવે છે અને આ ડેટાને આધારે કંપની એકાઉન્ટમાંથી નાણાં પણ સેરવી લેવામાં આવે છે. આ ઉપરાંત આ ડેટાને આધારે જેતે કંપની કે કર્મચારીઓનાં નામે બનાવટી સીમકાર્ડ પણ મેળવી લેવામાં આવે છે. કેટલીક કંપનીઓ પ્રતિસ્પર્ધી કંપનીનાં ડેટાની ચોરી માટે હેકરનો પણ ઉપયોગ કરતી હોય છે !
બનાવટી સીમકાર્ડનાં ઉપયોગથી જયારે સાયબર ક્રાઇમને અંજામ આપવામાં આવે છે ત્યારે તે જ નંબરનું ઓરિજિનલ સીમકાર્ડ ડેડ થઈ જતું હોય છે એટલે એ કાર્ડધારકોને બેંક તરફથી પણ કોઈ મેસેજ મળી શકતાં નથી જેને કારણે આરોપીઓનું કામ વધુ આસાન થઈ જતું હોય છે ! એવું પણ જાણવા મળ્યું છે. આ પ્રકારના માલવેર ડાર્ક વેબ પર 25 ડોલર જેવી સસ્તી રકમમાં ઉપલબ્ધ હોવાની વિગતો પણ સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવી હોવાનું અમદાવાદથી જાણવા મળી રહ્યું છે ! આ સ્થિતિમાં સૌએ પોતાનાં ડેટા તથા નાણાંની સલામતી માટે ચોકસાઈ રાખવી આવશ્યક બની ગયું છે.