Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઈમ ગુનેગારો મોજ માણી રહ્યા છે, આવા ગઠિયાઓને આસાનીથી શિકાર મળી રહ્યા છે, હજારો શિક્ષિત લોકો આવી જાળમાં ફસાઈ જાય છે. ગુનેગારો અહીં ચિક્કાર કમાણી કરી રહ્યા છે કેમ કે અક્કલમઠા અને લાલચુઓનો અહીં તોટો નથી. કરોડો રૂપિયાની છેતરપિંડીઓ થઈ રહી છે. ગુનેગારો કોઈક કિસ્સાઓમાં પકડાય છે. છેતરપિંડીઓમાં જતાં નાણાં પરત આવતાં નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ સાયબર ક્રાઈમ ગુનેગારો વિવિધ બેંકોમાં એકાઉન્ટ પણ ધરાવતાં હોય છે. અને આવા ખાતાં બેંક સ્ટાફની સાંઠગાંઠ વગર શક્ય બની શકે ?! એ પણ સવાલ છે. અને, મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે, લોકો આવી ચાલબાજીમાં ફસાઈ છે શા માટે ? સમાચાર માધ્યમોમાં આટલાં બધાં કેસ ચમકે છે છતાં અક્કલમઠા અને લાલચુ લોકો આ ષડયંત્રમાં સપડાઈ જાય છે, એ પણ અચરજ નથી ?!
અગાઉ ગુજરાતમાં આવી છેતરપિંડીઓ વર્ષે 300-500-700 કરોડ રૂપિયાની થતી, હવે આ કાળો ધંધો વાર્ષિક રૂ. 1,200 કરોડનો બની ગયો છે. સત્તાવાર આંક એવો છે કે, મહિને સરેરાશ રૂ. 75 કરોડની છેતરપિંડીઓ થઈ રહી છે. અને, એક મુદ્દો એવો છે કે, સામાન્ય રીતે ઓછું ભણેલાંઓ કે અભણ લોકો આવી શિકારજાળમાં ઓછાં ફસાઈ છે, ભણેલાંઓ ભાન ભૂલે છે અને ભેરવાઈ પડે છે.
પહેલાં લાલચમાં લપેટાય જાય, પછી છેતરાય જાય અને બાદમાં લૂંટાય ગયા, એવી અરજીઓ પોલીસમાં આપે. આ પ્રકારની દસેક હજાર અરજીઓ વર્ષે, સાયબર ક્રાઈમ બ્રાંચને મળે છે. ઈન્વેસ્ટમેન્ટ, શોપિંગ, ફેક ID, લોન છેતરપિંડીઓ અને કસ્ટમર કેર જેવી લિંક મારફતે પુષ્કળ સાયબર ક્રાઈમ આચરવામાં આવી રહ્યા છે. જાગૃતિ એ જ બચાવ છે.
લોકોને લોભામણી સ્કીમ બહુ પસંદ પડે છે. આકર્ષક વળતરની લોકોને બહુ લાલચ હોય છે. આ ઉપરાંત સેક્સ ચેટ, લવ ચેટ, ઉતેજક વીડિયોઝ, વીડિયો કોલ્સ અને શેરબજાર જેવી બાબતોમાં રાતોરાત લખપતિ બની જવાની લાલચ જેવા કારણોને લઈ હજારો લોકો છેતરપિંડીઓનો ભોગ બની રહ્યા છે તો પણ આ લાલચુ લોકોની આંખ ઉઘડતી નથી.
તમારી સાથે છેતરપિંડી થાય અને તાકીદે તમે સાયબર ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરી, FIR દાખલ કરાવો તો તંત્ર બેંક સાથે મળીને ઝડપથી તપાસ કરે તેવા કેસમાં આ પ્રકારના બેંક એકાઉન્ટ તરત બ્લોક કરી શકાય છે, કેટલાંક આરોપીઓ ઝડપાઈ પણ જતાં હોય છે. કેટલીક રકમ રિકવર પણ થઈ શકતી હોય છે પરંતુ સૌથી બેસ્ટ બચાવ છે જાગૃતિ.
(પ્રતિકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)