Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના સાયબર ગુનાઓ રોકવા માટે 2017માં કઈ યોજના શરૂ થઈ અને એ પછીના 8 વર્ષ દરમિયાન ખરેખર શું બન્યું- તેના આંકડા અને હકીકતો જાણવાલાયક છે. આ યોજનાની શરૂઆત 2017માં થઈ. યોજનાને નામ આપવામાં આવ્યું હતું ‘સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અગેન્સ્ટ વિમેન એન્ડ ચિલ્ડ્રન ‘ એટલે કે CCPWC. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને 8 વર્ષ દરમિયાન રૂ. 3.45 કરોડની ફાળવણી કરવામાં આવી, એમ એક આંકડો જણાવે છે. આ સ્કીમનો અમલ કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય કરાવે છે. પાછલાં 4 વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારમાંથી આ યોજના સંબંધે ગુજરાતને એક પણ રૂપિયાની સહાય આપવામાં આવી નથી.
દેશભરમાં સાયબર ક્રાઈમની દ્રષ્ટિએ ગુજરાત ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ત્રીજા નંબરે છે. પરંતુ આ બે રાજ્ય કરતાં ગુજરાતની વસતિ ઓછી છે એટલે એ રીતે સાયબર ગુનાઓમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. વર્ષ 2023માં ગુજરાતમાં સાયબર છેતરપિંડીઓના કુલ 1,21,701 ગુનાઓ દાખલ થયા. ગુજરાતમાં પ્રતિ 1000ની વસતિએ સાયબર ગુનાઓ નોંધાવાનો રેટ 1.71 છે, જે દેશભરમાં સૌથી ઉંચો છે.
રેકર્ડ પરની વિગતો મુજબ ગુજરાતમાં સાયબર ગુનાઓ દાખલ થવાનું અને આ ગુનાઓ ઉકેલાઈ જવાનું પ્રમાણ ઉંચુ છે. જો કે વર્ષ 2023માં દાખલ થયેલા ગુનાઓ પૈકી 50,000 ગુનાઓ વણઉકેલાયેલા છે. આ અડધો લાખ ગુનાઓ કોણે કર્યા ? આ પ્રશ્નનો જવાબ સાયબર ક્રાઈમ બ્રાંચ પાસે નથી.
આ પ્રકારની સ્થિતિઓને ધ્યાનમાં રાખી ખરેખર તો ગુજરાતને આ દિશામાં વધુ કામ કરવા વધુ સહાય મળવી જોઈએ. પણ ચાર વર્ષથી સહાયનો એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. ગુજરાત સાયબર ક્રાઈમ બ્રાંચ પાસે સ્ટાફની અછત છે. સાધનો પણ પૂરતા નથી. આ સ્થિતિઓ વચ્ચે શું કામ કરી શકાય ?
કેન્દ્ર સરકારની યોજના CCPWC હેઠળ રાજ્યોને જે રકમ આપવામાં આવે તે રકમનો ઉપયોગ કરીને, રાજ્યોએ સાયબર ફોરેન્સિક કમ તાલીમ પ્રયોગશાળાઓ, જૂનિયર સાયબર સલાહકારોની ભરતીઓ, સરકારી વકીલો અને ન્યાયિક અધિકારીઓને તાલીમ વગેરે કામો કરવાના હોય છે. કાગળ પર આ બધું સરસ લાગે પણ સહાયના રૂપિયા વગર આ કામો થઈ કેવી રીતે શકે ?
કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા આંકડા મુજબ, ગુજરાતને આ યોજના માટે 2017-18 માં રૂ. 2.72 કરોડ આપવામાં આવેલા. જો કે, ગૃહ મંત્રાલયની વેબસાઈટ કહે છે રૂ. 29.90 લાખ આપવામાં આવેલા. આ આંકડામાં જે વિરોધાભાસ દેખાઈ રહ્યો છે, તે સમજવુ અઘરૂં છે.