Mysamachar.in-જામનગર:
જામનગર સાયબર ક્રાઈમ બ્રાંચમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક ગુનો દાખલ થયો છે. જેમાં ફરિયાદી એમ જણાવે છે કે, મારી પાસેથી રૂ. 26.90 લાખ પડાવી લેવામાં આવ્યા છે, મને ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકી આપવામાં આવી હતી. અને, મેં ડરી જઈ નાણાં આપી દીધાં (!).
આ ફરિયાદી ગણેશ ક્રિષ્નાજી ઠાકરે (39, રહે. શાંતિ હાર્મોનિ એપાર્ટમેન્ટ, રોઝી પેટ્રોલપંપ સામે, જામનગર)નાગપુરના વતની છે તથા હાલ જામનગરની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, 21-04-2024ના દિને એક વ્યક્તિએ મને કોલ કરી કહ્યું કે, ફેડેકસ કુરિયરમાંથી બોલું છું. તમારાં નામના પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે અને સાથે અન્ય કેટલીક કિંમતી વસ્તુઓ તથા કેટલાંક પાસપોર્ટ વગેરે છે.
ફરિયાદી કહે છે: એ કોલમાં મને કહેવાયું કે તમારૂં પાર્સલ હાલ કસ્ટમ વિભાગ પાસે છે. ડ્રગ્સ અંગે વાત કરવામાં આવી, જેલનો ડર દેખાડવામાં આવ્યો અને એમ કહેવામાં આવ્યું કે, આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ તમારી સાથે વાત કરવા ચાહે છે, તમારો આ ફોન ક્રાઈમ બ્રાન્ચ સાથે કનેકટ કરૂં છું.
ત્યારબાદ, એક વ્યક્તિએ પોતે ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલે છે તેમ કહી મને કહ્યું કે, તમારી ડિજિટલ ધરપકડ કરવામાં આવી છે. તમારે કેમેરા સામે ઓનલાઈન રહેવું પડશે, તમે કયાંય જઈ શકશો નહીં. આ વાતચીતથી ડરી ગયેલા, આ ફરિયાદીએ પોતાની બેંક વિગતો અજાણ્યો ફોન કરનારને આપી દીધી !
બાદમાં આ ફરિયાદીને ફોનમાં કહેવાયું કે, બેંકમાં તમારી લેતીદેતીઓ વધુ છે. જે પૈકી 99 ટકા રકમ તમારે અમે કહીએ તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના રહેશે. અને રૂપિયા બાબતે ખરાઈ થઈ ગયા બાદ તમારાં નાણાં તમને પરત એકાઉન્ટમાં જમા મળી જશે. આ રીતે રૂ. 18 લાખ ઓનલાઈન ટ્રાન્સફર થયા ! અને, બાદમાં મિલકતની સિકયોરિટી પેટે આ ફરિયાદી પાસેથી રૂ. 8.90 લાખ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા ! પછી, ફોન બંધ. ફરિયાદીએ કોલ કર્યો, કોઈએ કોલ રિસિવ કર્યો નહીં, ફરિયાદીના રૂ. 26.90 લાખ ‘ભૂત’ …એમ ફરિયાદીએ સાયબર ક્રાઈમ બ્રાંચ સમક્ષ જાહેર કર્યું છે.(symbolic image)