Mysamachar.in:aઅમદાવાદ
ગુજરાત સહિત દેશભરમાં કયાંય પણ, કોઈ પણ આરોપી અથવા તહોમતદાર પોલીસ કસ્ટડીમાં મોતને ભેટતો હોય છે ત્યારે સ્થાનિક સ્તરે સનસનાટી સર્જાતી હોય છે અને એવા સમયે કસ્ટડીમાં રહેલી વ્યક્તિના માનવાધિકાર તેમજ સત્તાવાળાઓની નિષ્ઠુરતા અથવા બેદરકારી જેવી બાબતો સમાચાર બનતી હોય છે. ઘણાં કિસ્સાઓમાં આવા મૃતકોના પરિવારજનો દ્વારા જેતે પોલીસ સ્ટેશનને ઘેરી લેવામાં આવતું હોય છે અથવા ઉગ્ર દેખાવો થતાં હોય છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ થતી હોય છે, કેટલાંક કેસમાં બહુ ઉહાપોહ મચે તો આ મોતની તપાસ પણ થતી હોય છે અને કેટલાંક કેસમાં કસૂરવારોને સજા પણ થતી હોય છે પરંતુ એકંદરે આ પ્રકારના મોતની બહુ ગંભીર નોંધ લેવાતી હોતી નથી !
ભારતીય ન્યાય વ્યવસ્થાએ દરેક વ્યક્તિને, તહોમતદાર અથવા આરોપીને પણ કેટલાંક ચોક્કસ અધિકારો આપ્યા છે. પરંતુ સામાન્ય સંજોગોમાં આરોપીઓના અધિકારોની બહુ ચર્ચાઓ થતી હોતી નથી અને પોલીસ દ્વારા આરોપીઓના અધિકારોને કચડી નાંખવામાં આવે ત્યારે પણ બહુ ઉહાપોહ થતો નથી કેમ કે આરોપીઓ પ્રત્યે સમાજની માનસિકતા બહુ સંવેદનશીલ નથી હોતી, જેનો ગેરલાભ ઘણાં કેસમાં સત્તાવાળાઓ એટલે કે પોલીસ દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે.
ઘણાં કિસ્સાઓમાં પોલીસ સ્ટેશન અથવા જેલમાં આરોપીઓના મોત બિમારીઓને કારણે પણ થતાં હોય છે. આ પ્રકારના આરોપીઓ કે કેદીના સ્વાસ્થ્ય અંગે સંબંધિત સત્તાવાળાઓ બેદરકારીઓ પણ દાખવતા હોય છે. ઘણાં કેસમાં તહોમતદાર પોલીસ સ્ટેશન પહોંચે પછી ગણતરીના કલાકોમાં તહોમતદાર આપઘાત કરી લેતો હોય છે અથવા અન્ય કોઈ કારણસર તેનું લોકઅપમાં અથવા પોલીસ સ્ટેશનમાં મોત નીપજી ગયાનું બહાર આવતું હોય છે, આ બધાં જ કિસ્સાઓ કસ્ટોડિયલ ડેથની શ્રેણીમાં આવે છે.
બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા મોટાં અને કેદીઓ તથા આરોપીઓ માટે પ્રમાણમાં જોખમી લેખાતાં રાજયોની સરખામણીએ ગુજરાત જેવા રાજયમાં કસ્ટોડિયલ ડેથની સંખ્યા મોટી હોય, દેશમાં પ્રથમ નંબરે હોય, એ બાબત કેટલી ગંભીર લેખાય ?! આ આંકડાઓ જાહેર થયા છે, કોંગ્રેસ દ્વારા આંકડાઓ આપવામાં આવ્યા છે અને કાયદો તથા વ્યવસ્થા અંગે તેમજ ગુજરાત પોલીસના અમાનવીય અથવા અસંવેદનશીલ ચહેરાને વિપક્ષ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે.ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું: ગુજરાત કસ્ટોડિયલ ડેથના આંકડાઓમાં દેશમાં પ્રથમ ક્રમે છે. પાછલાં પાંચ વર્ષના આંકડાઓ તેઓએ જાહેર કર્યા છે. અને તેઓએ કહ્યું કે, આ આંકડાઓ ગુજરાત પોલીસની અમાનવીય કામગીરીઓ તથા કાયદો અને વ્યવસ્થાની પોલ ખોલે છે.
ગુજરાત લો કમિશનના અહેવાલને ટાંકીને દોશીએ કહ્યું: છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના કસ્ટોડિયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડિકલ સારવાર ન મળવાને કારણે વગેરે કારણોથી આ મોત થયા છે. ગુજરાતમાં માનવાધિકારનું સતત અને મોટાપાયે ઉલ્લંઘન થઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે એમ તેમણે કહ્યું. ગુજરાતમાં વર્ષ 2017-18 દરમિયાન કસ્ટોડિયલ ડેથની 14 ઘટનાઓ સામે આવી હતી. વર્ષ 2021-22માં આવી ઘટનાઓની સંખ્યા વધીને 24 થઈ ગઈ હતી.