Mysamachar.in:ગુજરાત
જામનગર હોય કે જસદણ, જલંધર હોય કે જંબુસર – રખડતાં પશુઓની માફક, રખડતાં કૂતરાંઓનો ત્રાસ પણ ચર્ચાસ્પદ મામલો છે. નવાઈની વાત એ પણ છે કે, રખડતાં ઢોરો અને રખડતાં કૂતરાંઓનો ત્રાસ ઓછો કરવાનાં મુદ્દે ક્યારેય, ક્યાંય, કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી હોય એવું લોકોની જાણમાં નથી ! તેથી લોકોમાં સારી એવી નારાજગી જોવા મળે છે.
સુપ્રિમ કોર્ટે રખડતાં કૂતરાંઓને પકડી લેવા અંગે વર્ષો પહેલાં મનાઈ ફરમાવેલી હોય, આ દિશામાં સ્થાનિક તંત્રો આગળ વધી શકતાં નથી. આ સ્થિતિનો ખ્યાલ રાખી કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન નોટિફિકેશનનાં માધ્યમથી ગત્ 10 માર્ચે બહાર પાડવામાં આવી હતી પરંતુ છેક ગઈકાલે મંગળવારે રાત્રે આ ગાઈડલાઈન પ્રચારિત કરવામાં આવી.
સોસાયટીઓ અને શેરીઓમાં રખડતાં કૂતરાંઓને કારણે ઘણાં લોકોને ઈજાઓ પહોંચી રહી છે, ઘણાં લોકો વચ્ચે આપસમાં ઝઘડાઓ અને મારામારીઓ પણ થતી હોય છે અને ઘણી વખત કૂતરાંઓ બાબતે લોકો પર અન્ય લોકો દ્વારા હુમલાઓના બનાવો પણ બનતાં રહે છે. આવા મામલાઓ પોલીસ સ્ટેશન અને અદાલતોમાં પણ પહોંચતા હોય છે. આ ગંભીર સ્થિતિ ધ્યાનમાં રાખી સરકારે ગાઈડલાઈન જાહેર કરવાનું મુનાસીબ માન્યું.
કેન્દ્ર સરકારે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ-2023 નામનાં આ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, કોઈ પણ સોસાયટી સહિતના વિસ્તારોમાં રખડતાં અથવા પાળેલાં કૂતરાંઓને ખવડાવવાની જવાબદારી સોસાયટી એસોસિએશનની અથવા નજીકની સ્થાનિક સંસ્થાની રહેશે. મકાન-ફલેટનાં માલિકો અને કૂતરાંઓની દેખભાળ કરનારાઓ વચ્ચે વિવાદની સ્થિતિમાં 7 સભ્યોની સ્થાનિક પશુ કલ્યાણ સમિતિનો નિર્ણય આખરી ગણવાનો રહેશે. આ પ્રકારની સમિતિ પ્રત્યેક વિસ્તારોમાં સ્થાનિક સ્તરે બનાવવાની રહેશે,
આ નોટિફિકેશનમાં કહેવાયું છે કે, પાળેલાં અથવા રખડતાં કૂતરાંઓને ખવડાવવાની કોઈ વિશેષ જગ્યા નક્કી કરવી જોઈએ. આ જગ્યા બાળકોની રમવાની જગ્યાથી દૂર હોવી જોઈએ. આ સ્થળ સોસાયટી કે શેરીઓમાં આવવા જવાનાં માર્ગ કે દરવાજાથી દૂર પસંદ કરવું જોઈએ. આ ઉપરાંત આ સ્થળ સીડી અને એવી જગ્યાઓથી પણ દૂર હોવું જોઈએ જ્યાં બાળકો અને વૃદ્ધોની અવરજવર રહેતી હોય. કૂતરાંઓને ખવડાવનારાઓએ ( ડોગ ફીડરોએ) આ માટેનાં એસોસિએશને બનાવેલાં તમામ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ.
સુપ્રિમ કોર્ટની જસ્ટિસ ગૌતમ પટેલની આગેવાની હેઠળની ખંડપીઠે અગાઉ જણાવ્યું હતું કે, જો રખડતાં પ્રાણીઓની યોગ્ય કાળજી જેમ કે, ખોરાક, નસબંધી(ખસીકરણ), રસીકરણ અને બીમારીઓના કિસ્સામાં આવશ્યક સારવાર અને સંભાળ વગર છોડી દેવામાં આવે તો આ પ્રાણીઓ એટલે કૂતરાંઓ વધુ આક્રમક બનશે અને ખોરાકની વધુ શોધ કરશે જેને પરિણામે સમસ્યાઓનું પ્રમાણ વધી શકે છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, આપણે સૌ એકમેક સાથે મળીને આ કામ કરીએ તો સ્થિતિનો શ્રેષ્ઠ ઉકેલ શોધી શકીએ. જો ખોરાક સંબંધી અને અન્ય પૂરતી કાળજી લેવામાં આવે તો કૂતરાંઓ હિંસક નહીં બને. રખડતાં કૂતરાંઓ મામલે સરકાર દ્વારા જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તે નિયમો કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નિયમોની કલમ-20 મુજબ જાહેર કરવામાં આવ્યા છે.






