Mysamachar.in-જામનગર
સામાન્ય રીતે કોઈ પણ પરણીતા ગર્ભવતી બને છે ત્યારે પતિ પત્ની સહિત સમગ્ર પરિવારમાં સૌ ખુશી અનુભવતા હોય છે પરંતુ જામનગરમાં એક એવો કિસ્સો બન્યો કે, એક શખ્સે પોતાની ગર્ભિણી પત્નીને બેફામ ફટકારતા ગર્ભમાંનું બાળક મોતને ભેટયું ! આ બનાવે ગુલાબનગર સહિતના વિસ્તારોમાં અરેરાટી જન્માવી છે.
આ ચકચારી બનાવની પોલીસચોપડે નોંધાયેલી વિગતો એવી છે કે, આ કમનસીબ પત્નીએ ખુદે પોતાના નરાધમ પતિ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરાવી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા પ્રભાતનગર નામના પેટાવિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરણીતા મનિષાબેન લક્ષ્મણભાઈ સોલંકીએ પતિ લક્ષ્મણ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ગઈકાલે બુધવારે સાંજે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી.
નરાધમ પતિ વિરુદ્ધની આ ફરિયાદમાં પત્નીએ જણાવ્યું છે કે, 14મી જૂલાઈએ બપોરે બે વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો. પરણીતા કહે છે મને પાંચ માસનો ગર્ભ હતો. ચૌદમી જૂલાઈએ રસોઈ દરમ્યાન મારાંથી શાક બળી ગયું. આથી મારો પતિ ખૂબ જ ઉશ્કેરાઈ ગયો અને મને ઢીકાપાટુનો માર માર્યો. મને માથાં પર શાકનું તપેલું માર્યું. ત્યારબાદ મારાં પતિએ મને સાવરણીથી પેટ પર ખૂબ ફટકારી અને પછી ધક્કો મારી પછાડી દીધી. જેને કારણે મારાં ગર્ભમાં ફરકતી બાળકી મોતને ભેટી છે.
પોલીસે આ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 92 અને 115(2) મુજબ આરોપી પતિ લક્ષ્મણ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ બનાવને કારણે ગુલાબનગર સહિતના આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને નરાધમ શખ્સ પર ફીટકાર વરસી રહ્યો છે.