Mysamachar.in-ખંભાળિયા:ભાણવડ:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા, દ્વારકા, સુરજકરાડી વગેરે વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન અને જંગી જાહેર સભામાં જે રીતે વિશાળ જનમેદની ઉમટી પડી હતી અને મોટી સંખ્યામાં ભાજપથી નારાજ કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાતા એકાએક રાજકીય વાતાવરણમાં બદલાવ આવતા કોંગ્રેસની સ્થિતિ મજબૂત બનતી જાય છે,તેવામાં ગઇકાલે જામ ખંભાળીયા ખાતે કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન આ વિસ્તારના ધારાસભ્ય વિક્રમ માડમના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું, સાથોસાથ ભાણવડમાં પણ કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સભા યોજવામાં આવી હતી, ત્યારે ખંભાળિયા ખાતે જોધપુર ગેઈટ પાસે જંગી જાહેરસભામાં ગામેગામથી ખેડૂતો સહિતના લોકો ઉમટી પડ્યા હતા, સભા દરમિયાન વર્ષોથી ભાજપનું કામ કરતા કાઠી દેવળીયાના રાજેન્દ્રસિંહ, વનરાજસિંહ, અજીતસિંહ સહિતના કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કરતા કોંગ્રેસના આગેવાનોએ આવકાર આપ્યો હતો,

વિશાળ જનમેદનીને સંબોધન કરતા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ પોતાની વાત રજુ કરીને કહ્યું કે, ખંભાળિયામાંથી જ મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ છે એટલે આ વિસ્તારના લોકો સારી રીતે મને ઓળખે છે અને લોકો વચ્ચે રહ્યો હોવાથી ખંભાળિયા તાલુકામાંથી મને સૌથી વધુ લીડ મળશે તે આશા સાથે વધુને વધુ મતદાન કરવાની અપીલ કરીને અંતે જણાવ્યું હતું કે, મારા માટે મતદાન કરવા સમય ફાળવજો પછી પાંચ વર્ષ સુધી તમારા માટે જાગતો રહીશ તેવી વાત કરતા વિશાળ જનમેદનીમાંથી પણ અવાજ ઉઠયો કે “મુળુભાઈ તુમ આગે બઢો..હમ તુમ્હારે સાથ હૈ”ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પણ સંબોધન કરતા કહ્યું હતું કે, ભાજપે ખરીદ-વેચાણ સંઘ ખોલ્યું છે, એટલે જ કાલાવડના તાલુકા પંચાયતના નવ સભ્યો જતા રહ્યા છે, મફતમાં કોઈ ન જાય, રોકડી કરી લીધાનો આક્ષેપ કરી અને સતવારા સમાજને ગુજરાતમાં પ્રતિનિધિત્વ મળે એટલે મારા ભરોસે વલ્લભ ધારવીયાને કોંગ્રેસે ટિકિટ આપી હતી,પરંતુ તેમણે આખા સતવારા સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને વધુમાં જણાવ્યું હતું કે, મારામાં ભૂલ કરી મુળુભાઇ કંડોરીયામાં ભૂલ ના કરતા કોંગ્રેસના તે સર્વસહમત ઉમેદવાર છે, મે અગાઉથી જ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે, એટલે કોઈ ગેરસમજમાં આવ્યા વિના અફવા ફેલાવનારાઓની શાન ઠેકાણે લાવીને કામ ન કરતા ઉમેદવારને ઘરે બેસાડી દેશો તેવી વિક્રમ માડમે ટકોર કરી હતી,

દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજજણ પણ આકરા અંદાજમાં જણાવ્યું હતું કે , પાંચ વર્ષ પહેલા અચ્છે દિન કી વાત કરી ને મતો લઈ ગયા પરંતુ ખેડૂતોના દેવામાફી, પાકવીમો, દેશને આઈ.આઈ.એમ., સ્કીલ ઇન્ડિયા સહિતના વચનો આપીને છેતરી ગયા બાદ GST અને નોટબંધીના નામે કારમા ઘા કર્યા છે, તેનો જવાબ માંગજો તેમ જણાવીને કોંગ્રેસ જે વચન આપે છે, તેને નિભાવે છે, તેના દાખલા આપીને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી,ખંભાળિયા ખાતે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં યોજાયેલ જંગી જાહેર સભામાં આગેવાનો લખુભાઈ ગોજીયા, જિલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઇ છુછર, જીતેન્દ્રભાઈ ગોરીયા, પૂર્વ મંત્રી ડો.રણમલભાઈ વારોતરીયા, જેસાભાઈ ગોરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય લખુભાઈ નકુમ, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ગુલમામદભાઈ, ખંભાળિયા તાલુકા કોંગ્રેસના આગેવાન જીવાભાઈ કનારા, હરદાસભાઇ કંડોરીયા, દ્વારકા કલ્યાણપુર વિધાનસભા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ એભાભાઇ કરમુર, પાલાભાઈ આંબલીયા, આહિર સમાજના અગ્રણી ભીખુભાઈ વારોતરીયા જામનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા, દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહીને જંગીજનમેદનીને કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી.

મુળુભાઇ નંબર ૧ છે અને તેમનું બટનનું નિશાન પણ નંબર ૧ છે:હરદાસભાઈ ખવા
જામજોધપુરના અગ્રણી અને જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરદાસભાઇ ખવાએ જણાવ્યું હતું કે, લોકોએ કોંગ્રેસ અને ભાજપ બંને શાસનો જોયા છે, ત્યારે ગત વખતે ભાજપને લોકોએ મત આપ્યા પરંતુ મતો નિષ્ફળ ગયાની લોકો અનુભૂતિ કરે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢની સભામાં જૂઠાણું ફેલાવીને કહ્યુ કે, કોંગ્રેસવાળા પ્રસુતી હેઠળ આવતી યોજનાના પૈસા ખાઇ જાય છે ત્યારે ૨૩ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, કોંગ્રેસવાળા ક્યાંથી પૈસા ખાય ત્યારે તેમનું જુઠાણુ પકડાઇ ગયું છે અને સરળ સ્વભાવના મુળુભાઈ કંડોરીયા નંબર વન છે એટલે જ તેમનું બટન નિશાન પણ નંબર વન છે, તે દબાવીને ભાજપના જૂઠાણાનો પર્દાફાશ કરવાનું જંગી જાહેરસભામાં જનતાને આહવાન કર્યું હતું,

નરેન્દ્ર મોદી બનાવટ કરી છેતરી જાય છે: પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા
નરેન્દ્ર મોદી દર વખતે બનાવટ કરીને છેતરી જાય છે. આ વખતે આવું થવું ના જોઈએ અને સારા કામ કર્યા હોય તો મત માંગવા જવું ન પડે કે અને કોંગ્રેસના ધારાસભ્યોને મંત્રી બનાવા ન પડે તે વાત કરીને ખેડૂતો એકતા બતાવીને આ વખતે કચકચાવીને કોંગ્રેસમાં મતદાન કરી ભાજપ સરકારને કાઢી મુકવા હાકલ કરી,

સત્તા માટે ૨૦૧૪માં ખેડૂતોને દેવા માફીનું વચન આપ્યું હતું તેનું શું થયું.?:ભગાભાઈ બારડ
જંગી જાહેર સભામાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે પણ હાજરી આપી હતી અને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી લોકશાહી અને બંધારણને બચાવવા માટેની છે, પોતાના ધારાસભ્ય પદના સસ્પેન્સન મામલે જણાવ્યુ હતું કે, સંવિધાન મારા પ્રશ્ને ના પાડે, કાયદો ના પાડે છતાં સત્તાના જોરે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો. પરંતુ અંતે ન્યાયતંત્રએ ન્યાય કરતા સત્યનો વિજય થયો છે, ત્યારે સત્તાના જોરે મારી સાથે જે કર્યું તે દેશ અને ગુજરાતની જનતા સાથે પણ કરી શકે છે અને ૨૦૧૪માં ખેડૂતોના દેવા માફીનું વચન આપીને ખેડૂતોના મતો લઈ ગયા.પરંતુ ખેડૂતોનું દેવુ માફ ન કરીને છેતરપિંડી કરી છે, ત્યારે કોંગ્રેસ જે વચન આપે તેને પાડે છે તેમ અંતે જણાવીને મુળુભાઇ કંડોરીયા ખાનદાન વ્યક્તિ છે, જેનાથી આપ સૌકોઈ પરિચિત છો અને કોંગ્રેસ પણ ખાનદાન છે, બોલેલું પાડે છે,

આગેવાનો વેચાય છે, મતદારો વેચાતા નથી: ગીરીરાજસિંહ જાડેજા
હમણાં આયા રામ ગયા રામના બનાવો સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસને ગર્વ લેવાય કે કોંગ્રેસ કુળના ધારાસભ્યોને ભાજપે મંત્રી બનાવવા પડ્યા છે, તેવી ટકોર કરીને ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીરીરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે આગેવાનો વેચાય છે, મતદારો વેચાતા નથી, ગામેગામ ભાજપ સામે લોકોની નારાજગી જોવા મળી છે.જે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ખબર પડી જશે તેવું અંતે જણાવ્યુ હતું,
ખંભાળિયાની પ્રજા પરચો આપશે: સુભાષભાઈ પોપટ
ખંભાળિયા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને લોહાણા સમાજના આગેવાન સુભાષભાઈ પોપટે કહ્યું કે, દર વખતે ભાજપ વિકાસના નામે, રામના નામે, રોજગારીના નામે મત લઈ જાય છે, પરંતુ આ વખતે ખંભાળિયાનું ધી વખણાય છે, તેની તાકાતનો ખંભાળિયાની પ્રજા પરચો આપશે, તેવું જણાવીને ભાજપ પર પ્રહારો કર્યા,

ધરમપુરે ભાજપને ૯૦% મત આપ્યા, જેની સામે ૨% વીમો મળ્યો: કાંતિભાઈ નકુમ
સતવારા સમાજના આગેવાન અને ખંભાળિયા શહેર કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઈ નકુમ એ પણ બળાપો કાઢતા જણાવ્યું હતું કે, ધરમપુર ગામે ૯૦ ટકા ભાજપને મત આપ્યા તેની સામે માત્ર બે ટકા વીમો આપ્યો છે, ત્યારે પૈસા ફેકો તમાશા દેખો ભાજપનો નારો છે, સતવારા સમાજ હવે ભાજપની માયાજાળમાં ફસાતા નહીં તેવી અપીલ કરીને કામ કરે તેને મત આપવા જોઈએ, જે ધ્યાને લઈને કોંગ્રેસના મુળુભાઇ કંડોરીયાને મત આપવા જાહેર મંચ પરથી કાંતિભાઈ નકુમે અવાજ કર્યો હતો.

સરકાર જવાબ નહીં આપે તો પાકવીમાના હિસાબ માટે અદાલત સુધી લડત આપશું:ચિરાગ કાલરિયા
ખંભાળિયા બાદ ભાણવડ ખાતે પણ કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ મુળુભાઈ કંડોરીયાની ભાવિ સાંસદ તરીકે સંબોધનમાં શરૂઆત કરીને જણાવ્યું હતું કે સરકાર પાસે ગાંધીનગર પાકવીમાનો હિસાબ માગવા ગયા ત્યારે તેમની પાસે કોઈ જવાબ નથી અને હવે રાજ્યપાલ પાસે જશું, ત્યાથી પણ જવાબ નહીં આવે તો ન્યાય માટે હાઇકોર્ટમાં રીટ દાખલ કરીને લડત આપશુ અને ભાજપના વિકાસના ગતકડા અંગે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૭માં વિકાસ ગાંડો થયા બાદ ૨૦૧૮માં વિકાસ રઘવાયો થયો અને હવે ૨૦૧૯માં હડકાયો થયો છે, આથી હવે તેનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે ભાણવડની જનમેદનીને જોઈને એક વાત નક્કી છે કે. મુળુભાઇ કંડોરીયા જીત નિશ્ચિત છે તેવું અંતે જણાવ્યું હતું.ધ્રોલ કોંગ્રેસ ચૂંટણી કાર્યાલયનો ક્ષત્રિય આગેવાન પ્રદ્યુમનસિંહ જાડેજા અને સહકારી આગેવાન ગોવિંદભાઇ અમૃતિયાના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
ધ્રોલના ગાંધીચોક ખાતે કોંગ્રેસના કાર્યાલયનું ધ્રોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ જામનગર ડી.કો.બેન્કના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ અમૃતિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્રોલ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા કલ્પેશ હડીયલ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ વિરમ વરૂ, મહામંત્રી રજની ટંકારીયા,મુળુભાઇ કંડોરીયાના ભાઈ રામદેવભાઈ,વોર્ડ નં.૧ના નગરપાલિકાના સદસ્ય કારાભાઈ વરૂ, તાલુકા પંચાયતના સદસ્ય ખીમજીભાઈ, માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન વિનુભાઇ,ધ્રોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સતવારા સમાજના આગેવાન માધવજીભાઈ પરમાર, મોટા ઇટાળાના પ્રભુભાઈ મુંગરા, હિતેષભાઈ કાસુંદ્રા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને મુળુભાઇ કંડોરીયાને ધ્રોલ શહેરમાંથી જંગી લીડ આપવાનો સંકલ્પ કર્યો હતો. તેમજ ધ્રોલ શહેરમાં કોંગ્રેસની ટીમ ડોર-ટુ-ડોર પ્રચારમાં લાગી જતા લોકોમાંથી ભાજપના રોષ સામે સારો એવો આવકાર મળી રહ્યો છે.
