Mysamachar.in:ગુજરાત
હાલમાં ચૂંટણી પંચનાં નિયમાનુસાર દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ પાંચ EVM અને VVPATનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટમાં એવી અરજી થઈ છે કે, ક્રોસ વેરીફીકેશનની આ પ્રક્રિયા દરેક મતદાનમથકો પર કરવામાં આવે. સુપ્રિમ કોર્ટમાં આ અરજી થતાં અદાલતે આ આખો મામલો હાલ કેન્દ્રીય ચૂંટણી પંચને સોંપી દીધો છે. સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે, આ મુદ્દે પંચનો પ્રતિભાવ અદાલતમાં રજૂ કરવામાં આવે. આ અરજી એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ નામની એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને અદાલતે ઉપરોક્ત અરજી ચૂંટણી પંચને મોકલાવી છે.
આ અરજીમાં સંસ્થાના વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું છે કે, દરેક મતદારને એ જાણવાનો અધિકાર છે કે, તેણે આપેલો મત EVM માં યોગ્ય રીતે કાઉન્ટ થયો છે કે કેમ ? યોગ્ય રીતે નોંધાયો છે કે કેમ ? ચૂંટણીપંચ મતદારોને આ અધિકાર આપવામાં નિષ્ફળ પૂરવાર થયું છે. અરજી કહે છે કે, સુપ્રિમ કોર્ટે આ સંદર્ભે ભૂતકાળમાં જે નિર્દેશ આપેલો તેનું પાલન થતું નથી. ખંડપીઠ આ અરજીની સુનાવણી હાથ ધરવા તૈયાર થઈ છે પરંતુ અરજદારને કહ્યું : તમે EVM પર વધુ પડતી શંકા કરી રહ્યા છો.
અરજદારે એવો આક્ષેપ કર્યો છે કે, 2019ની ચૂંટણી વખતે આન્ધ્રપ્રદેશમાં એક મતદાન મથક પર મતદારને EVM પર શંકા થતાં, ત્યાં EVM અને VVPAT નું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે, મતના હિસાબમાં 14 મતનો ફેર આવ્યો છે. EVM માં 233 મત કાઉન્ટ થયાં હતાં અને VVPAT માં 219 મત કાઉન્ટ થયાં હતાં. બીજાં શબ્દોમાં કહીએ તો, કુલ મતો પૈકી 6 ટકા મતો VVPAT માં નોંધાયા જ ન હતાં !






