Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તાજેતરમાં ટ્રેક્ટર ટ્રોલીની ચોરીઓની ફરિયાદો હોલસેલ પદ્ધતિએ દાખલ થઈ જેમાં જૂની તારીખોમાં થયેલાં ગુનાઓનો પણ સમાવેશ થતો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાંચે જાહેરાત કરી છે કે, આ 14 ગુનાઓના 2 આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસે જાહેર કર્યું છે કે, એલ.સી.બી. સ્ટાફના અરજણ કોડીયાતર,રાકેશ ચૌહાણ,ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,મયુદિન સૈયદ,કિશોર પરમાર, તથા નારણ વસરાને પેટ્રોલીંગ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળેલ કે, જામનગર જીલ્લાના લાલપુર,જામજોધપુર, શેઠ વડાળા, કાલાવડ પંચ-એ તથા પંચ બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડામા દોઢેક વર્ષના સમય ગાળા દરમ્યાન ટ્રેકટર તથા ટ્રોલી (લારી) ચોરીના બનાવ બન્યા હતાં. આ ચોરીઓમાં સંડોવાયેલ ઘેલુભા નારૂભા જેઠવા અને અરશી પુંજાભાઈ કંડોરીયાને પોલીસે ઝડપી પાડ્યા છે, આરોપીઓની પૂછપરછ દરમિયાન શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ 14 ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે.
-કબ્જે કરેલ મુદામાલ
-ટ્રેકટર ની ટ્રોલી (લારી) -૧૩, મીની ટ્રેકટર-૧,
-ગુન્હામા ઉપયોગ લીધેલ ટ્રેકટર-૧,
-ગુન્હામા ઉપયોગ લીધેલ મો.સા.-૧ અને
-મોબાઇલ ફોન-૨ જે રીકવર મુદામાલ કિ.રૂ. 14,69,000નો સમાવેશ થાય છે.
-આ રીતે આચરતા ગુન્હા
આ બંન્ને આરોપીઓ ભેગા મળી પોતાના મોટર સાયકલમા જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ટ્રેકટર/ટ્રોલી (લારી) ની ચોરી કરવા સારૂ દિવસ દરમ્યાન રેકી કરતા હતા અને દિવસ દરમ્યાન આરોપીઓને કોઇ ટ્રેટકર કે ટ્રોલી ખુલ્લા ખેતરોમા કે લોકોની અવર જવર ન હોય તેવી જગ્યાએ જોવા મળે તો રાત્રીના સમયે કોઇ વ્યકિત પાસેથી ટ્રેકટર મેળવી તે ટ્રેકટર વડે ટ્રોલીઓની ચોરીઓ કરતા હતા અને આજુબાજુના ખેડુતોને આ ટ્રેકટરની ટ્રોલીના કાગળો પછી આપીશુ તેમ જણાવી વેચાણ કરતા હતા, આમ મજકુર બન્ને ઇસમોને પકડી પાડી જામનગર અલગ અલગ પોલીસ સ્ટેશના ૧૪ ટ્રેકટર/ટ્રોલી (લારી) ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામા આવેલ. આ ચોરીઓ જે વિસ્તારોમાં થયેલી તેમાં લાલપુર તાલુકાના ગજણાગામ, સણોસરી, હરીપર, મોટી વેરાવળ, જામનગર તાલુકાના દડીયા હર્ષદપુર, સુવેડા, મતવા, ધુતારપુરા, આમરા, કાલાવડ તાલુકાના ખંઢેરા કુષ્ણપુર, હર્ષદપુરા, ખીમલીયાનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી એલસીબી પીઆઈ વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ, સ્ટાફના 2 પીએસઆઇ પી.એન.મોરી અને એ.કે.પટેલની ટીમના નાનજી પટેલ,હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, શરદ પરમાર, અરજણ કોડીયાતર, મયુદીન સૈયદ, ધમેન્દ્રસિંહ એન જાડેજા,ક્રિપાલસિંહ જાડેજા, રાકેશ ચૌહાણ, દિલીપ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા,નિર્મળસિંહ જાડેજા, કાસમ બ્લોચ,કિશોર પરમાર,હરદીપ બારડ, નારણ વસરા, , રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશ મૈયડ, સુરેશ માલકીયા, ભારતી ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામાં આવી હતી.
-મોટાભાગના ડીટેકશનમાં આમ કાં થાય ?
જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં સમયથી એવું જોવા મળી રહ્યું છે કે, ઘણાં ગુનાઓ બને ત્યારે પોલીસ ફરિયાદમાં જાહેર થતાં નથી. અમુક સમય બાદ એકસરખી ચીજોના એક કરતાં વધુ ગુનાઓની જૂની અને સાગમટે ફરિયાદો દાખલ થઈ જાય, પછીના અમુક કલાકોમાં એવું જાહેર થાય છે કે, એક, બે, કે ત્રણચાર આરોપીઓ ઝડપાઈ ગયા છે. આટલાં ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આટલાં ગુનાઓની આરોપીઓએ કબૂલાત આપી છે. આટલાં લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. અને, આ બધી વિગતો સાથે એવી ફરિયાદોની વિગતો સામેલ કરવામાં આવે છે, કે જે ગુનાઓ જૂની તારીખોમાં બન્યા હોય અને પછી ફરિયાદો ચોક્કસ પદ્ધતિઓ મુજબ, ચોક્કસ દિવસોમાં દાખલ થયેલી હોય. લોકો આ પ્રકારની ‘મોડસ ઓપરેન્ડી’ અંગે હવે ઘણાં પ્રકારની જાણકારીઓ ધરાવતાં થયા છે, કેમ કે આ બધાં જ ફરિયાદીઓ આખરે તો સમાજના જ નાગરિકો હોય છે એટલે પોલીસ કામગીરીઓ અંગેની વાતો, લોકોમાં ફેલાતા સમય લાગતો નથી.