Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના હાપા માર્કેટ યાર્ડ પાસે એક વિશાળ મેદાન છે, આ મેદાનમાં વર્ષોથી સેંકડો યુવાઓ ક્રિકેટ રમે છે અને રમતગમતનો આનંદ મેળવે છે. આ મેદાનને લઈ વિવાદ છે. આ અંગે એક નગરસેવકે મેયર સમક્ષ લેખિત રજૂઆત પણ કરી છે. બીજી તરફ આ મેદાન અંગે મહાનગરપાલિકાએ આટલાં સમયમાં સ્થળ પર કોઈ કામગીરીઓ કરી ન હોવાની સ્થિતિઓ છે.
મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અને કોર્પોરેટર અસલમ ખિલજી મેયર પરના પત્રમાં જણાવે છે: આ મેદાન જૂગનુ ક્રિકેટગ્રાઉન્ડ તરીકે જાણીતું છે. આ વિસ્તારમાં 70,000 જેટલાં નગરજનો વસવાટ કરે છે. યુવાઓ માટે આ ક્રિકેટગ્રાઉન્ડ ખૂબ જ ઉપયોગી છે. 2019ના બજેટમાં મહાનગરપાલિકાએ આ ક્રિકેટગ્રાઉન્ડ માટે રૂ. 50 લાખનો ખર્ચ પણ મંજૂર કરેલો. જો કે તેની હજુ ટેન્ડર પ્રક્રિયાઓ ચાલી રહી છે. આ પછી વર્ષ 2024-25 ના બજેટમાં મહાનગરપાલિકાએ રૂ. 5 કરોડનો ખર્ચ મંજૂર કરી આ ક્રિકેટગ્રાઉન્ડને સ્પોર્ટ્સ મેદાન તરીકે ડેવલોપ કરવા નિર્ણય કર્યો. આ પત્રમાં અસલમ ખિલજીએ આગળ લખ્યું છે કે, આ ગ્રાઉન્ડ પરથી રોડ કાઢવાનું મહાનગરપાલિકાને અચાનક કેમ સૂઝયું ?!

પત્રમાં જણાવાયું છે કે, જામનગર મહાનગરપાલિકાએ શહેરના યુવાનોને રમતગમત માટે વર્ષોથી એક પણ સાર્વજનિક મેદાન આપ્યું નથી. જે મેદાન છે તેને પણ નષ્ટ કરવામાં આવતું હોય, ક્રિકેટપ્રેમીઓ અને રમતવીરોમાં રોષ અને અસંતોષ છે. જામનગરે અનેક ક્રિકેટસિતારા આપ્યા છે. આથી આ હાપા માર્કેટ યાર્ડ વિસ્તારમાં તાત્કાલિક TP રદ્દ કરી, ત્યાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવું જોઈએ.
આ સમગ્ર વિષય અંગે મહાનગરપાલિકાએ વર્ષ 2024-25 ના બજેટની સ્પીચમાં જણાવ્યું હતું કે, હાપા વિસ્તારમાં ફાઈનલ પ્લોટ નંબર 62 વાળી જગ્યામાં ક્રિકેટગ્રાઉન્ડ ડેવલોપ કરવાનું કામ રૂ. 5 કરોડના ખર્ચથી કરવામાં આવશે. પાના નંબર સાત પર પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગની અંતિમ આઈટમ આ છે.
Mysamachar.in દ્વારા આ મુદ્દે કોર્પોરેશનના TPDP વિભાગના અધિકારી મુકેશ ગોસાઈનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમણે કહ્યું: જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ(જાડા)દ્વારા જેતે સમયે શહેર માટે TP સ્કીમ નંબર 1 જાહેર કરવામાં આવેલી. 30 વર્ષ અગાઉ આ TP સ્કીમ અંતર્ગત હાલના હાપા માર્કેટ યાર્ડથી શરૂ કરીને જામનગર-રાજકોટ રોડ સુધીના વિસ્તારને જોડતો 45 મીટરનો માર્ગ નક્કી થયેલો છે.
આ ઉપરાંત મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઈજનેર કેતન કટેશિયાએ જણાવ્યું છે કે, હાપા માર્કેટ યાર્ડ નજીક વર્ષો અગાઉ TP સ્કીમ નંબર એકમાં ગાર્ડન માટે એક વિશાળ પ્લોટ અનામત પ્લોટ તરીકે મહાનગરપાલિકાને મળેલો છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેષ કગથરાએ જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાના રેકર્ડ પર જૂગનુ ક્રિકેટગ્રાઉન્ડ નામનું કોઈ મેદાન નથી. શહેરના ઘણાં વિસ્તારોમાં મહાનગરપાલિકાને વિવિધ TP સ્કીમ અંતર્ગત ઘણાં મોટા પ્લોટ પ્રાપ્ત થયેલાં છે. TP સ્કીમના રોડ અંગેની બાબતો પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગ સંભાળી રહ્યો છે.
