Mysamachar.in-જામનગર:
જોડિયા તાલુકાના કેશિયાના એક યુવાને બે દિવસ અગાઉ પોતે લૂંટાઈ ગયો છે એવી ખોટી સ્ટોરીના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી પરંતુ પોલીસે આ ફરિયાદની ઝીણવટથી તપાસ કરતાં આ ફરિયાદ ખોટી હોવાનું બહાર આવ્યું અને આ ફરિયાદીનું તરકટ પકડાઈ ગયું છે, પોલીસે આ શખ્સ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
બે દિવસ અગાઉ કેશિયાના મીત કિરીટભાઈ ગોદવાણી નામના એક વેપારીએ પોતે લખતર ઓવરબ્રિજ નજીક લૂંટાયો છે, ચાર શખ્સો છરી દેખાડી તેની પાસેથી રૂ. 70,000 લૂંટી ગયા છે અને લૂંટારાઓએ તેને છરી વડે ઈજાઓ પણ પહોંચાડી છે- એવી ફરિયાદ દાખલ કરાવી હતી.
ફરિયાદ લૂંટની હોવાને કારણે પોલીસે આ બનાવની ગંભીરતા ધ્યાને લઈ ઝીણવટથી તપાસ શરૂ કરેલી. ગ્રામ્ય DySP રાજેન્દ્ર દેવધા તથા ક્રાઈમ બ્રાંચની ટીમે બનાવના સ્થળની મુલાકાત લીધી હતી. બાદમાં પોલીસે આ ફરિયાદીની પ્રાથમિક પૂછપરછ કરી અને પછી આકરી પૂછપરછ શરૂ કરી. વેપારીના નિવેદનમાં કેટલીક બાબતો શંકાસ્પદ લાગી. ઉપરાંત વેપારીની દુકાનથી બનાવના સ્થળ સુધી પહોંચવા માટે લાગતો સમય અને તેની દુકાન આસપાસના CCTV ના ફૂટેજની ચકાસણીઓ દરમિયાન કેટલીક બાબતો એવી જોવા મળેલ કે, ફરિયાદી ખુદ શંકાના દાયરામાં આવી ગયો.
બાદમાં પોલીસે અલગઅલગ ટીમો બનાવી તપાસ કરી. અને, લાંબી પૂછપરછ દરમિયાન આ ફરિયાદી ભાંગી પડ્યો અને બોલી ગયો કે, તેની સાથે લૂંટ થઇ નથી. તેણે કહ્યું કે, હું તથા મારાં કાકા બાલાજી એન્ટરપ્રાઇઝ નામની દુકાન ભાગીદારીમાં ચલાવીએ છીએ, દુકાનના હિસાબમાં રૂ. 60-70 હજારની ઘટ આવે છે, જે મેં મોજશોખમાં ખર્ચ કરી નાંખ્યા હોય, મારે આ રૂપિયા દુકાનમાં આપવા પડે તેમ હતાં તેથી આ સ્ટોરી ઘડી કાઢી.
આ યુવાને પોતાને થયેલી ઈજાઓ અંગે પણ કહ્યું કે, તેણે આ માટે ધ્રોલથી કટર ખરીદી પોતાના શરીર પર જાતે ઘસરકા કર્યા હતાં. આમ આખરે તેણે કબૂલી લીધું કે, તેણે આ ફરિયાદ ખોટી લખાવી હતી. હવે આ શખ્સ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.