Mysamachar.in-ગુજરાત:
તમારૂં આધારકાર્ડ દસ વર્ષ કે તેથી વધુ સમય પહેલાંનું છે ? તો, આધાર સત્તાવાળાઓએ એક મહત્વની સૂચના જાહેર કરી છે. આ પ્રકારના આધારકાર્ડ અપડેટ કરાવવાનાં રહેશે. આધાર ઓથોરિટીએ જણાવ્યું છે કે, જેઓ દસ વર્ષ કે તેથી વધુ સમય પહેલાંનું આધારકાર્ડ ધરાવતાં હોય તેઓએ પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવી લેવું હિતાવહ છે. જો કે આ પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી નથી. પરંતુ દસ વર્ષ જૂનાં આધારકાર્ડ અપડેટ કરાવી લેવાથી ભવિષ્યમાં કોઈ સમસ્યાથી બચી શકાય છે. આધાર સંબંધિત સમસ્યાઓ ઘણાં લોકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થતી હોય છે કેમ કે, હાલમાં તમામ સરકારી અને બિનસરકારી કામોમાં આધારકાર્ડ અતિ મહત્વનો પ્રમાણિત દસ્તાવેજ છે. આધાર ઓથોરિટીએ જણાવ્યું છે કે, આ પ્રકારના આધારકાર્ડ અપડેટ કરાવવા માટે કાર્ડધારકોને ઓનલાઇન અને ઓફલાઈન અપડેશન એમ બંને પ્રકારના વિકલ્પ આપવામાં આવશે. અને, અપડેશન ફરજિયાત નથી પરંતુ અપડેશન કરાવવું કાર્ડધારકોને માટે હિતાવહ છે. આગામી સમયમાં આ કામગીરી કોર્પોરેશન સ્તરે હાથ ધરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે.






