Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મિશનરી(ખ્રિસ્તી ધર્મ સંચાલિત) શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે, આ ઉપરાંત ભાષા અથવા ધર્મના આધાર પર જેમનો સમાવેશ લઘુમતીમાં થાય છે, એ તમામ દ્વારા રાજ્યભરમાં હજારો શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. આ બધી જ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે 3 વર્ષથી ચાલતાં એક કાનૂની જંગમાં વડી અદાલતનો ચુકાદો સરકારની તરફેણમાં રહ્યો છે.
વર્ષ 2021માં સરકારે કાયદામાં એવો સુધારો કરેલો કે, જે શૈક્ષણિક સંસ્થાઓ ‘લઘુમતી’ તરીકે વર્ગીકૃત થયેલી છે, તે સંસ્થાઓમાં સરકાર સ્ટાફની નિમણૂક માટે નિયમો બનાવી શકે. સરકારે કાયદામાં કરેલાં આ સુધારાને, આ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વડી અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં સરકારપક્ષનો વિજય થયો છે અને અરજદાર લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની બધી જ અરજીઓ એકસાથે ડિસમિસ કરી નાંખવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારની લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ ઘણાં વર્ષોથી પોતાની સંસ્થાઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતીઓમાં ઘરની ધોરાજી ચલાવે છે. એ માટે સરકારમાં કોઈ નિયમો જ ન હતાં, જે સામાન્ય કાયદો છે, તેનું પાલન સ્થાનિક સ્તરે અલગઅલગ કારણોસર યોગ્ય રીતે થતું નથી, એવી ફરિયાદો વારંવાર ઉઠી રહી હતી. જે અનુસંધાને સરકારે 2021માં, કાયદામાં ઉપરોકત સુધારો દાખલ કરેલો. જે હવે અમલી બની શકશે. જો કે એક શકયતા એ પણ છે કે, લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ વડી અદાલતના આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારી શકે છે. કારણ કે, આ સંસ્થાઓ કાયદાના સુધારા બાદ એવું ફીલ કરે છે કે, આ સુધારો લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓના બંધારણીય અધિકાર પર તરાપ સમાન છે.(symbolic image)