Mysamachar.in:ગુજરાત
દેશભરમાં સરકારની જીએસટી આવક વધી રહી છે. સરકાર આ આવકને હજુ પણ વધારવા ઈચ્છે છે અને જીએસટી ચોરીનાં તમામ સંભવિત માર્ગો બંધ કરવા ચાહે છે. આ ઉપરાંત જીએસટી ચોરીનાં કેસોમાં હવે ED કાર્યવાહી કરશે, જે આકરી પૂરવાર થઈ શકે છે. આવતીકાલે 11 જૂલાઈએ જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે. આ કાઉન્સિલ એક નવો નિયમ લાવવા તૈયારી કરી રહી છે. જો કોઈ કંપની કે વેપારીએ વધુ રકમની ITC કલેઈમ કરી હશે તો, તે કરદાતાએ આ કલેઈમ કારણો સાથે સમજાવવો પડશે.
કેન્દ્ર અને રાજ્યોનાં કર અધિકારીઓ ધરાવતી કાયદા સમિતિ ઈચ્છે છે કે, સેલ્ફ જનરેટેડ ITC અને GSTR-3B રિટર્ન વચ્ચે જો મોટો તફાવત જોવા મળશે તો તેવાં કિસ્સાઓમાં કરદાતાને તેની જાણ કરવામાં આવશે. સાથે જ કરદાતાને પૂછવામાં આવશે કે, તેનાં દ્વારા કરાયેલો કલેઈમ સેલ્ફ જનરેટેડ ITC કરતાં વધુ કેમ છે ? કરદાતાએ તેનાં કારણો આપવાનાં રહેશે. જો કરદાતા સાચો જવાબ આપી નહીં શકે તો તેણે વધારાની રકમ વ્યાજસહિત સરકારમાં જમા કરાવવાની રહેશે.
આવતીકાલે જીએસટી કાઉન્સિલની પચાસમી બેઠકમાં આ ભલામણ અંગે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. નકલી ચલણના મામલાઓ પર અંકુશ મૂકવા આ નિર્ણય લેવાઈ શકે છે. ગેરરીતિઓ કરનારાઓ સામાન્ય રીતે સામાન કે સેવા વાસ્તવિક રીતે ડિલીવર કર્યા વિના જ ખોટી રીતે આઈટીસીનો લાભ લેવા આ પ્રકારના માર્ગો અપનાવતાં હોય છે. નકલી જીએસટી રજિસ્ટ્રેશનનાં માધ્યમથી આ પ્રકારની ગેરરીતિઓ મોટાપાયે ચાલી રહી હોય, આ દૂષણ ડામવા જીએસટી અધિકારીઓએ બે મહિનાનું વિશેષ અભિયાન પણ હાથ ધર્યું છે.
-નેતાઓની માફક GST કરચોરોને ત્યાં પણ ED મહેમાન બનશે !
EDનો ખૌફ સમજી શકાય તેવી બાબત છે. નેતાઓને ત્યાં તેઓ સતત ત્રાટકતાં હોય છે. હવે ઈડી અધિકારીઓ જીએસટી કરચોરીના કિસ્સાઓમાં પણ તપાસ કરશે. કેમ કે, કેન્દ્ર સરકારે GSTની ગેરરીતિઓ પર અંકુશ મેળવવા જીએસટીનો સમાવેશ PMLA (મની લોન્ડ્રિંગ) માં કરી લીધો છે. આથી ટેક્સચોરી, નકલી બિલો કે બિલોમાં ગોટાળાઓની તપાસમાં હવે આ કાયદાની કલમો હેઠળ પણ કાર્યવાહી થશે, દરોડા પણ પાડી શકાશે. કેન્દ્રનાં નાણાં મંત્રાલયે શનિવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અંતર્ગત હવે જીએસટીનો શંકાસ્પદ ડેટા ઈડી સાથે શેયર કરવાનો રહેશે.






