Mysamachar.in-સુરતઃ
રાજકોટમાં આવેલા જીવંતિકા માતાજીના મંદિરે પિત્ઝા, બર્ગર જેવી વસ્તુનો ભોગ ધરાઇ છે, આવું જ એક અનોખું મંદિર સુરતમાં આવેલું છે, રૂંધનાથ મહાદેવ નામના આ મંદિરે શિવને જીવતા કરચલા ચડાવવામાં આવે છે. આ પાછળ માન્યતા છે કે શિવને કરચલા ચઢાવવાથી મૃતકની ઇચ્છા પુરી થાય છે. જે લોકો શારીરિક રૂપથી અથવા કોઈને કોઈ બીમારીથી પીડિત હોય અને તેમા પણ ખાસ જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તે લોકો આજના દિવસે શિવલિંગ પર કરચલા ચઢાવી માનતા પૂરી કરે છે. ગત વર્ષે જેમની મનોકામના પૂરી થઈ હોય તે લોકો પણ ભગવાન શિવને કરચલા ચઢાવી બાધા પૂરી કરે છે.
અન્ય મંદિરોની જેમ આ મંદિર પાછળ પણ વર્ષો જૂની પૌરાણીક કથા છે, જેમાં કહેવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન રામે વનવાસ દરમિયાન શિવજીની આરાધના કરી હતી. ત્યારથી આ મંદિરનું અસ્તિત્વ છે. આદિકાળમાં મંદિરની જગ્યા પર દરિયો વહેતો હતો. આ મંદિર નજીક રામઘેલા નામનું સ્મશાનઘાટ આવેલું છે, અહીં સ્વજનની અંતિમવિધિ કર્યા બાદ રુંધનાથ મંદિરે આવી સ્વજનો પૂજાપાઠ કરે છે. આ ઉપરાંત મૃતકને ભાવતી વસ્તુઓ અર્પણ કરે છે. ઉદાહરણ તરીકે મૃતક બીડી, સિગારેટ કે દારૂ પીવાનો શોખીન હોય કે પછી ખાવાની કોઈ વસ્તુનો શોખીન હોય તો મૃતકના પરિવારજનો સ્મશાન ઘાટ પર આવીને આ વસ્તુઓ અર્પણ કરતા હોય છે.