Mysamachar.in-જામનગર:
જામનગરમાં ફરજ બજાવી ગયેલ એક પીએસઆઈ અને કોન્સ્ટેબલને લાંચ લેવાનો કેસ સાબિત થતા કોર્ટે 4 વર્ષની સજા ફટકારી છે જે મામલાએ પોલીસબેડામાં ચકચાર જગાવી છે,આ કેસની સામે આવેલ વિગતો એવી છે કે જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકના તત્કાલિન પોલીસ સબ ઇન્સપેકટર અને એક પોલીસ કોન્સટેબલે વર્ષ 2012માં પ્રોહિબિશન એકટના ગુનામાં જામીન પર છોડવા, સહ આરોપીનુ નામ નહી બોલવા અને સ્કટુર કબજે ન કરવા 40 હજારની લાંચની માંગણીની ફરીયાદ પરથી એસીબીએ લાંચ લેતા પકડી પાડયા હતા.જે કેસ કોર્ટમાં ચાલી ગયા બાદ આ કેસમાં કોર્ટે સજાનો હુકમ કર્યો છે.
પોલીસ મથકમાં રાજેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા વિરૂધ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. જે દેશી દારૂના કેસમાં ફરીયાદી રાજેન્દ્રસિંહને જામીન પર છુટવાના રૂા. 15 હજારની માંગણી તત્કાલિન પીએસઆઈ દશરથસિંહ ભગુભા ઝાલાએ કરી હોય, પીએસઆઈના કહેવાથી જે તે સમયે પોલીસ કોન્સટેબલ મહાવીરસિંહ હેંમતસિંહ વાઢેરે રૂા. 5 હજાર લઈ, બાકી 10 હજારનો વાયદો કર્યાનું જાહેર થયુ હતું, જે સાથે ફરીયાદીના મિત્ર જુવાનસિંહ તેજુભા રાઠોડ(સાહેદ)નુ નામ સહ આરોપી તરીકે નહી બોલવા તેમજ જુવાનસિંહનુ એકિટવા સ્કુટર વાહન કબજે નહી કરવા રૂા. 30 હજાર એમ રૂા. 40 હજારની લાંચની માંગણી કરી હોવાની ફરીયાદ એસીબીમાં કરાઈ હતી.
થયેલ ફરિયાદને આધારે એસીબીએ ટ્રેપમાં લાંચની રકમ સ્વીકારતા આરોપીઓને ઝડપી પાડયા હતા. જે અંગે એસીબી દ્વારા આરોપીઓ વિરૂધ્ધ તા. 31/10/2012ના ગુનો દાખલ કરાયો હતો. જે બાદ એસીબી દ્વારા તપાસ હાથ ધરી આરોપીઓ વિરૂધ્ધ અદાલતમાં ચાર્જ શીટ રજુ કર્યુ હતુ. જે અંગેનો કેસ સ્પે. અદાલતમાં ચાલી જતા આરોપીઓને ચાર વર્ષની કેદની સજા, દંડનો કોર્ટે હુકમ કોર્ટે કર્યો તેમાં સ્પે.એપીપી તરીકે હેમેન્દ્ર મહેતા રોકાયા હતા.(file image)