Mysamachar.in-સુરત
સોશ્યલ મીડિયાના દુરુપયોગ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી છેતરપીંડીના એક બાદ એક કિસ્સાઓ નવી નવી મોડસ ઓપરેન્ડી સામે આવતા જ રહે છે, એવામાં સુરત સાઇબર ક્રાઇમ બ્રાંચે મહેસાણાના પાટણના એક દંપતીની ધરપકડ કરી છે. આ દંપતી ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને સામેની વ્યક્તિને જાળમાં ફસાવતું હતું અને તેમની પાસેથી પૈસા પડાવતા હતા. પૈસા પડાવવા માટે આ મહિલા ‘નેહા પટેલ’ નામનું ખોટું નામ ધારણ કરતી હતી અને તેની માતાને સારવાર માટે પૈસાની જરૂર હોવાનું બહાનું કાઢતી હતી. જે બાદમાં ફોન નંબરની આપ-લે થતી હતી અને સામેની વ્યક્તિને વાતોમાં ભોળવવામાં આવતી હતી. અને બાદમાં તકનો લાભ લઈને નેહા પટેલ પૈસાની વાત કરી હતી અને પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર કરાવતી હતી.
આ ઘટનાક્રમ વચ્ચે સુરતના એક યુવકે ફરિયાદ નોંધાવતા બંનેને ભાંડો ફૂટી ગયો છે. દંપતીએ અન્ય લોકોને પણ પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવ્યા હોવાની શક્યતા રહેલી છે. સુરતના યુવક પાસેથી ‘નેહા પટેલે’ આ મોડસ ઓપરેન્ડીથી 16 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સુરતમાં વસવાટ કરતા અને એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા દિવ્યેશ ઉકાણીને ફેસબુક પર નેહા પટેલ નામના એકાઉન્ટ ઉપરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. રિકવેસ્ટ સ્વીકારતાની સાથે જ તેમના મેસેન્જરમાં એક મેસેજ આવ્યો હતો કે, “મારા મમ્મીની કિડની ફેઈલ છે અને ઊંઝા ખાતે હોસ્પિટલમાં એડમિટ છે, મારે પપ્પા નથી અને ભાઈ નાનો છે. મારે પૈસાની જરૂર છે. મારે થોડાક રૂપિયા જોઈએ છે.” ‘નેહા પટેલ’ના આવે મેસેજ પર દિવ્યેશે શરૂઆતમાં રિપ્લાય આપ્યો ન હતો પરંતુ અવાર નવાર મેસેજ આવતા નેહાને રિપ્લાય આપ્યો હતો.
મેસેન્જરમાં બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કરી વાતચીત શરૂ કરી હતી. જે બાદમાં દિવ્યેશે હોસ્પિટલ બિલના રૂા. 4 હજાર આપ્યા હતા. એક વખત પૈસા મળતા નેહા સમયાંતરે માતા બીમાર છે અને દવા ખર્ચના નામે પૈસાની માંગણી કરતી હોવાથી દિવ્યેશે લાગણીમાં તણાઇ પર્સનલ લોન લઇ રૂ. 9.53 લાખ અને ટુકડે-ટુકડે કુલ રૂ. 16.44 લાખ આપ્યા હતા. ત્યાર બાદ અચાનક જ નેહાએ પોતાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરી દીધું હતું અને બીજા એકાઉન્ટમાંથી દિવ્યેશને મેસેજ કરી તેના પપ્પાએ લીધેલી મકાન લોનના હપ્તા ભરવાના બહાને રૂ. 3 લાખની માંગણી કરી હતી. પરંતુ દિવ્યેશને શંકા જતા લોન એકાઉન્ટ નંબરની માંગણી કરી હતી પરંતુ નેહાએ તે માહિતી આપી ન હતી. જેથી દિવ્યેશની શંકા દ્રઢ થતા બે દિવસ અગાઉ સુરતના સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઇમ બ્રાંચે નેહાએ જે બેંક એકાઉન્ટમાં દિવ્યેશ પાસે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા તે બેંક ઓફ બરોડા અને કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટની માહિતી મેળવી નરેશ બાબુ પટેલ અને તેની પત્ની હંસાબેન પટેલની ધરપકડ કરી છે. ફેસબુક પર નેહા પટેલનું ફેક આઇડી બનાવી દિવ્યેશ ઉકાણી પાસેથી બીમાર માતાની સારવારના બહાને રૂ.16.44 લાખ પડાવનાર નરેશ પટેલ પાટણમાં ભાડાની દુકાનમાં મોબાઇલ એસેસરીઝનો ધંધો કરે છે. પ્રાથમિક પૂછપરછમાં નરેશ અને હંસા બંને ભેગા મળી ફૅક આઇડી બનાવી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી પૈસા ખંખેરતા હતા. બંનેએ અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા છે.