Mysamachar.in-સુરત
નકલી ઘી, નકલી માવો, નકલી સૂઝ અને કપડા તો સાંભળ્યું હશે… પણ પાનમાવામાં ઉપયોગ થતા ચૂનાની પડીકીઓ પણ ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું છે, સુરતના પુણામાં બ્રાંડેડ ચુનાના નામથી નકલી ચુનો વેચનારને ઝડપીને તેની પાસેથી 66,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કરાયો છે. અમદાવાદના હિરેન મુકેશ પટેલની કંપની ખાવાના ચુનાનું પાર્સલ બનાવે છે. તેમને માહિતી મળી કે પુણા ખાતે વિજય વાલજી ફીણવીયા (નાના વરાછા) સિદ્ધાંત નકલી ચુનાનું પાર્સલ બનાવીને વેચાણ કરે છે તેથી હિરેન પટેલે પોતાનો સ્ટાફ તેમજ પુણા પોલીસને સાથે રાખીને ગીતાનગરમાં તપાસ કરતા આરોપી વિજય ફિણવીયા મળી આવ્યો હતો. ત્યાંથી કંપનીના નામે નકલી ચુનાના પાઉચ, પ્રિંટિંગ પેકેજિંગ રોલ, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન સહિત 66,200 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હિરેન પટેલે વિજય વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં કોપી રાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.