Mysamachar.in-ગાંધીનગર:
કોરોના પોજીટીવ કે નેગેટીવ ટેસ્ટ કરાવતા દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે કોરોનાના દર્દીઓના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાં ટેસ્ટીંગના દરોમાં નાગરિકોને ફાયદો થાય તે માટે કોર કમિટીની બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ ટેસ્ટીંગના ભાવમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે કોરોના સંદર્ભે હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લઇને કરાતાં ટેસ્ટીંગના ચાર્જમાં અત્યારે રૂ.900 લેવાય છે, તેમાં રૂ. 350નો ઘટાડો કરી રૂ.550 અને લેબોરેટરીમાં જે ટેસ્ટીંગ કરવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ.700 છે, તેમાં રૂ. 300નો ઘટાડો કરી રૂ.400 એરપોર્ટ પર થતાં એબોટ આઇડી રેપીડ આર.ટી.પી.સી.આર. ટેસ્ટના ચાર્જમાં રૂ.1300 નો ઘટાડો કરી રૂ.2700 તથા એચ.આર.સી.ટી. ના ચાર્જમાં રૂ.500 નો ઘટાડો કરી 2500 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડાના નિર્ણય તારીખ 1 ઓગસ્ટથી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓએ અમલ કરવાનો રહેશે.
રાજ્યભરમાં કોરોના સંદર્ભે ગુજરાત રાજ્યની સરકારી લેબોરેટરી દ્વારા RT-PCR તથા એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે તેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, 27 જુલાઈ 2021 ના રોજ RT-PCR ના 44,666 એન્ટીજનના 17,892 ટેસ્ટ મળી કુલ-62,558 જ્યારે અત્યાર સુધીમાં RT-PCRના 91,55,936 અને એન્ટીજનના ટેસ્ટ 1,61,99,857 મળી કુલ 2,53,55,793 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.