Mysamachar.in-અમદાવાદ:
સરકારી વિભાગોની માફક મહાનગરપાલિકાઓના અધિકારીઓ પણ વિવિધ કામોમાં ‘અંગત કમાણી’ની જગ્યાઓ શોધી કાઢવામાં માહિર હોય છે, જ્યારે જ્યારે આવા સોદાઓમાં લોચા પડે છે ત્યારે, એ એક સોદા પૂરતી વિગતો બહાર આવે છે અને એકાદ અધિકારી કે કર્મચારી લાંચ રૂશવત વિરોધી શાખાની હડફેટમાં ચડી ગયાનું જાહેર થતું હોય છે, બાકીના દિવસોનાં કોર્પોરેશન નામની ‘દુકાન’ ધંધો કરતી રહે છે. તાજેતરમાં આવો વધુ એક મામલો બહાર આવી ગયો.
આ મામલો અમદાવાદ મહાનગરપાલિકાનો છે. એક નાગરિકની વડીલોપાર્જીત મિલકતનો વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં મદદ કરવા માટે મહાનગરપાલિકાના મદદનીશ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરે રૂ. 60 લાખની લાંચની માંગ કરેલી. બાદમાં રૂ. 20 લાખમાં સોદો નક્કી થયો. આ રકમ સ્વીકારતી વખતે, આ અધિકારી અને તેનો વચેટિયો ACBના હાથમાં ઝડપાઈ ગયા.
આ અધિકારીનું નામ હર્ષદ મનહરલાલ ભોજક છે. તેના વચેટિયાનું નામ આશિષ કનૈયાલાલ પટેલ છે. વચેટિયો સરકાર માન્ય એન્જિનિયર છે. આ મામલો એવો છે કે, એક નાગરિકની વડીલોપાર્જીત મિલકતમાં કેટલાંક મકાનો અને દુકાનો હતી. આ મિલકતોનો કબજો મહાનગરપાલિકાએ લઈ લીધો હતો અને મોટી પાડતોડ કરી હતી. જેને કારણે ભાડૂઆતો અને આ મિલ્કતધારકે કાયદાકીય પ્રક્રિયાઓ શરૂ કરી હતી.
દરમિયાન, ફરિયાદીને કોઈએ કહ્યું: કોર્પોરેશનનો સંપર્ક કરો, તેઓ ગોઠવી આપશે. જરૂરી પુરાવાઓ રજૂ કરશો તો વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી આપશે. આથી ફરિયાદી પ્રથમ વચેટિયાને અને બાદમાં અધિકારીને મળવા ગયા. મામલો ગોઠવાયો. શરૂઆતમાં રૂ. 60 લાખની લાંચની માંગ થયેલી, આખરે રૂ. 20 લાખમાં પતાવટ નક્કી થઇ. દરમિયાન, ફરિયાદીએ ACB નો સંપર્ક કરી, ફરિયાદ દાખલ કરાવતાં લાંચના છટકામાં અધિકારી ભોજક અને વચેટિયો પટેલ બંને રંગે હાથ ઝડપાઈ ગયા. આ ધરપકડ બાદ ACB એ અધિકારીના ફલેટની તપાસ કરી, ત્યાંથી રૂ. 73 લાખ રોકડા અને સોનાનું એક બિસ્કિટ પણ મળી આવ્યું. જે તમામ મુદ્દામાલ કબજે લેવાયો છે.