Mysamachar.in-જામનગર:
જામનગરમાં બ્રાસઉદ્યોગના જળ પ્રદૂષણનો મામલો વર્ષોથી ચર્ચાઓમાં છે. આમ છતાં આ જળ પ્રદૂષણ અટકાવવા સંબંધે કોઈ ઠોસ પગલાંઓ કોઈ પણ તંત્ર દ્વારા લેવામાં આવતાં ન હોય, કરદાતા નગરજનોના આરોગ્ય સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આમ છતાં આ ગંભીર બાબત પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. નદી અને તળાવ જેવા મહત્ત્વના જળસ્ત્રોત પ્રદૂષિત થતાં હોય એ તંત્ર જાણે છે, છતાં આ પ્રદૂષણ કંટ્રોલ ના કરી શકાય, એ કેવું ?!…
આગામી સમયમાં ચેલા ચંગા નજીકના રંગમતી ડેમના દરવાજાનું સમારકામ કરવાનું હોય, આ ડેમનું પાણી કેનાલ મારફતે નગરના તળાવમાં લાવવામાં આવશે. આ મુદ્દો સારો છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે, ડેમનું આ સારૂં પાણી તળાવ સુધી પહોંચશે ત્યારે ‘ઝેરી’ અને જોખમી બની ચૂક્યું હશે ! કારણ કે જે કેનાલ મારફતે આ પાણી તળાવમાં ઠલવાશે, એ કેનાલમાં તો ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી ઠલવાઈ રહ્યું છે. તો શું તળાવનું આ નવું અને જૂનું- બધું જ પાણી કેમિકલયુક્ત બની જશે ?!
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય અગાઉ મહાનગરપાલિકાની એક રેકોર્ડ પર નોંધ છે કે ઉદ્યોગનગરોનું ગટરોનું પાણી તથા વરસાદી પાણી ફીડીંગ કેનાલમાં આવે છે. આ પાણીમાં ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી ભળે છે. આ પાણી કેનાલ મારફતે તળાવમાં ઠલવાય છે. આથી તળાવની માછલીઓ સહિત અન્ય જીવોને નુકસાન થઈ રહ્યું છે.સાવ આવું સ્પષ્ટ છે હો રેકોર્ડ પર બોલો…!
અહીં મહત્ત્વનો મુદ્દો એ છે કે, આ પાણી માત્ર માછલીઓને જ નુકસાન નથી કરતું. તળાવનું આ લાખો લિટર પાણી ભૂગર્ભ જળના રૂપમાં તળાવ આસપાસના સેંકડો વિસ્તારોના ડંકી અને બોરમાં જાય છે. આ પાણીનો ઉપયોગ લાખો નગરજનો પીવામાં ઉપયોગ કરે છે. અહીં પ્રશ્ન એ છે કે, આ લાખો નગરજનોના આંતરડામાં આ કેમિકલયુક્ત પાણી પ્રવેશ કરે છે પછી, આ નગરજનોના આરોગ્ય પર તેની ગંભીર અસરો પહોંચતી નહીં હોય ?! આ મુદ્દાની તપાસ થવી જોઈએ. એ જ રીતે ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને કારણે નદી આસપાસના હજારો ભૂગર્ભ જળ સ્ત્રોત પણ દૂષિત અને ઝેરી બની રહ્યા છે. આ મુદ્દે ભૂતકાળમાં અનેકવખત રજૂઆત પણ થઈ છે. આમ છતાં આ ચિંતાઓ કોઈએ દૂર કરી નથી ! જો કે આ જવાબદારીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ આવે છે પણ તે વિભાગ કોઈ આકરી કાર્યવાહી નથી કરતુ તે પણ ઉલ્લેખનીય છે.
નગરજનો એવી આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે કે, રંગમતી ડેમનું લાખો લિટર સારૂં પાણી દૂષિત કેનાલમાં થઈ તળાવમાં ઠાલવવામાં આવે તે પહેલાં, આ સંપૂર્ણ કેનાલને એકદમ સ્વચ્છ કરવામાં આવે. અને કેનાલ સ્વચ્છ થયા બાદ તેમાં વહી ડેમનું પાણી તળાવમાં આવે તે સમયે કેનાલના આ શુદ્ધ પાણીમાં કોઈ પણ પ્રકારનો કચરો, ગંદકી, કેમિકલ કે ઝેર અથવા ગટરનું પાણી ન ભળે- તે જોવાની ચિંતાઓ થવી જોઈએ. કેમ કે, આ મામલો લાખો નગરજનોના આરોગ્ય સાથે સીધો જ સંબંધ ધરાવતો સંવેદનશીલ અને ગંભીર મામલો છે.