Mysamachar.in-ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, 27 એપ્રિલે રાજ્યમાં 14500 જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે 11000 જેટલા થઇ ગયા છે.
કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ 36 શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કરફયુ તા.11 મે-2021 સુધી રાખવામાં આવેલો તે તા12 મે-ર2021 થી તા.18 મે-2021 એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.