Mysamachar.in-અમદાવાદ
તહેવારોમાં જાણે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું હોય તેમ અમદાવાદમાં તો કોરોના વિસ્ફોટ થતા સરકાર સફાળી જાગી ગઈ છે, અને આજ રાતથી એટલે કે શુક્રવારથી સોમવાર સુધી કર્ફ્યું જાહેર કરી દેવાયું છે, એવામાં જોવા જઈએ તો કોરોનાને કારણે રાજ્યમાં છેલ્લા 7 મહિના કરતા વધારે સમયથી રાજ્યનું તમામ શૈક્ષણિક કાર્ય બંધ છે. જો કે ગુજરાત સરકાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ લાગી ગઇ હતી. 23મી તારીખે શાળાઓ ખોલવા માટેનો આદેશ પણ આપી દીધો હતો. શાળાઓ કઇ રીતે ચલાવવી તે અંગેની SOP પણ જાહેર કરી દીધી હતી.
જો કે કોરોનાની ફરી વિકટ થયેલી સ્થિતીને જોતા સરકારે આ નિર્ણય તાત્કાલિક ધોરણે પાછો ખેચવાની ફરજ પડી છે, 23 તારીખથી શાળાઓ ખોલવાનાં આદેશને પરત લેતા સરકારે આગામી આદેશ સુધી શાળાઓ બંધ જ રાખવા માટેનો નિર્ણય લીધો છે. અત્રે એ વાત પણ નોંધનીય છે કે અમદાવાદમાં આજે એટલે કે શુક્રવાર રાતથી સોમવાર સુધી કર્ફ્યું લાદવામાં આવ્યો છે, ત્યારે હવે લોકોએ પણ કોરોનાના કપરાકાળમાં વધુ સાવચેતી રાખી માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરી અને સરકારને સહયોગ આપવા પણ અપીલ કરાઈ છે.