Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા શહેર તથા તાલુકાના બજાણા,ધરમપુર,હર્ષદપુર,વાડીનાર વગેરે વિસ્તારોમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમની સભાઓ તથા કાર્યકર્તા સંમેલનમાં લોકો સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા હતા. જે પછી આજે સલાયા ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તથા હિંદુભાઈઓ, મતદારો ઉમટી પડ્યા હતા અને પૂનમબેન માડમના સમર્થનમાં આ વિસ્તાર મુખ્ય રોલ ભજવીને જંગી લીડ આપવાની સાથે ઊચું મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો,

વિશાળ જનસંખ્યા સાથે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં મુસ્લિમ અગ્રણી કારાબાપુએ ભાજપના સુશાસન તથા વિકાસ અને સમાજને ઉપયોગીતાની વાતો ઉદાહરણો સાથે કરી હતી,સલાયામાં સંબોધન વખતે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ગળગળા થઈ ગયા હતા અને સલાયાના સમાજ સાથે તેમના પેઢીના જુના સંબંધો તથા સલાયાની જનતા તેમના પિતા સ્વ. હેમતભાઈ માડમની ચૂંટણીમાં ખોબા ભરી મત દેતા હતા તે યાદોને પણ તાજી કરી હતી, તથા હાલનો સલાયાનો વિકાસ ભાજપના સુશાસનની દેન હોવાનું જણાવીને નવા ભારતના વિચાર સાથે જોડાયેલા નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી ભારતમાં તેમને મત આપીને જોડાવા અપીલ કરી હતી, સલાયા પાલિકાના સદસ્યોને વડાપ્રધાન સાથે કુટુંબના સભ્યોની જેમ તેમણે કરાવેલી મુલાકાત પણ યાદ કરી હતી તથા સલાયાના વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારનો હંમેશા સહયોગ મળતો રહેશે તેવી ખાતરી પણ આપી હતી,

સલાયાના કોઈપણ પ્રશ્ન માટે પૂનમબેને તત્પરતા બતાવી હતી તથા વિકાસકાર્યો નો લાભ સલાયાને મળતો રહેશે તથા તેમના પિતા ના સમયથી સલાયા તેમના કુટુંબને સાથ આપતું રહ્યું છે તેનો આભાર પણ વ્યક્ત કર્યો અને સલાયાના ઈતિહાસમાં ભાજપની આવી મહાસભા અનોખી થઈ હોય ઉત્સાહથી લોકોએ ભાગ લઈને સ્વયંભૂ રીતે જોડાવા બદલ તમામ લોકોનો આભાર માનીને છેવાડાના આ વિસ્તારને કેન્દ્રના વિકાસ કાર્યોમાં અવ્વલ નંબરે લાવવા બદલ આભાર માનીને સલાયાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ કર્યું હતું,સલાયાના આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી મુળુભાઈ બેરા, ગ્રીનકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, ભાજપપાલિકા પ્રમુખ સાલેમામદભાઈ ભગાડ, સલીમભાઈ કારાભાઈ, અજીજભાઈ કડિયારા, અબ્બાસભાઈ અમદાવાદી, ભરતભાઈ લાલ(રઘુવંશી અગ્રણી),પરેશભાઈ કાનાણી, રવીરાજ સિંહ જાડેજા, અનિલભાઈ તન્ના, કિરીટભાઈ ખેતીયા, ભરતભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરિભાઈ નકુમ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મશરીભાઇ નંદાણીયા, યાર્ડ પ્રમુખ પી.એસ.જાડેજા વગેરે જોડાયા હતા,સલાયામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી મહાસભાથી ભારે ઉત્સાહનું વાતાવરણ ભાજપ છાવણીમાં ઊભું થવા પામ્યું છે.

જ્યારે ખંભાળિયા તાલુકાના હર્ષદપુર, બજાણા, શક્તિનગર, વાડીનાર, વગેરે જગ્યાએ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં યોજાયેલ ખૂબ જ ઉત્સાહ સભર તથા હજારોની મેદનીના કાર્યકર્તા સંમેલન પછી આગેવાનો સાથે ઉમેદવાર પૂનમબેન માડમ ગઈકાલે તાલુકાના ચારબારા, હંજડાપર (દાત્રાણા પાટીયા), જૂની મોવાણ તથા ભાડથર વગેરે વિસ્તારોમાં પહેલા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પણ તેમને ખૂબ જ વ્યાપક આવકાર મળ્યો હતો,ચારબારાના રહેવાસી, સરપંચો, કાર્યકરોની વિશાળ જનમેદનીમાં બારા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલન સંબોધતા ખંભાળિયા યાર્ડ પ્રમુખ તથા રાજપૂત અગ્રણી પ્રતાપસિંહ જાડેજાએ તેમના જુસ્સાદાર પ્રવચનમાં જામનગરના રાજા જેવું પદ હકુભા જાડેજાને આપીને ભાજપે ક્ષત્રિયની કદર કરી છે,ત્યારે આ ઋણ ચૂકવવાનો અવસર ગણીને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને મત આપીને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી.જેને ઉપસ્થિત વિશાળ રાજપૂત મતદારોએ વધાવી લીધી હતી,

ભાજપ જિલ્લા પ્રમુખ કાળુભાઇ ચાવડાએ ભાજપના શાસનમાં વિકાસના કામો અને યોજનાઓની વાત કરી હતી,તથા એકજ વીજ સબ સ્ટેશનને બદલે ઢગલો સબ સ્ટેશન ગામોમાં વીજળી અને સરકારની આરોગ્ય તથા શિક્ષણની સવલતો તથા આખા રાજ્યમાં એકમાત્ર બારામાં સરકારી હાઈસ્કૂલ ભાજપના શાસનમાં થયેલી હોવાનો ઉલ્લેખ કર્યો અને માં અમૃતમ કાર્ડ સહિત્ની વિવિધ યોજના અંગે સફળ સરકારી કામગીરી પણ લોકો સમક્ષ વર્ણવી હતી,

પૂનમબેન માડમે તેના વક્તવ્યમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પર પ્રહારો કર્યા હતા તથા કોંગ્રેસને ચાર ચાર મુરતીયા જે ચર્ચાઓમાં ચાલ્યા તે મળ્યા નહીં તે પછી પાંચમા ઉમેદવાર છેલ્લી ઘડીએ મૂક્યા જેમની પાસે કોઈ જ મુદ્દો નથી! કોથળા ભરીને નીકળનાર ઉમેદવાર (કોંગ્રેસ)થી લોકો કંટાળી ગયાની ટકોર કરીને કોંગ્રેસના લોકો હવે કંટાળીને ભાજપમાં જોડાવા લાગ્યા છે કહીને ભારે કટાક્ષ કોંગ્રેસ પર કર્યો હતો, તથા જ્યારે કોંગ્રેસના નામે પથ્થર તરી જતા ત્યારે પણ આ મતદારોએ તેમના પિતાને અપક્ષ ચુંટીને વિશ્વાસ વ્યક્ત કરેલો તે વિશ્વાસ જાળવવાની ખાતરી પૂનમબેને આપી હતી,
કેન્દ્રની યોજના માત્ર કાગળ સુધી હતી તે પાંચ વર્ષમાં આ છેવાડાના જિલ્લાની મજબૂત નોંધ દિલ્હીમાં તેમણે કરાવી હોવાનું જણાવીને પાકવીમામા પણ તાલુકાને ખૂબ જ ફાયદો થયાનો ઉલ્લેખ કરીને તેની ચિંતા પણ તેમણે ખૂબ કર્યાનું જણાવ્યું હતું તથા દેશમાં વિપક્ષોના ગઠબંધનને ઠગબંધન કહી કટાક્ષ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા,

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મયુરભાઈ ગઢવીએ પણ દેશને આગળ લાવવામાં શિવાજી તથા રાણા પ્રતાપનો ઉલ્લેખ કરીને પાણીની સમસ્યા હલ કરવા તથા વિકાસ કાર્યોમાં સરકારની યોજનાઓનો ખ્યાલ આપ્યો હતો,

કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, મેઘજીભાઈ કણજારીયા, હરિભાઈ નકુમ, વિરેન્દ્રસિંહ જાડેજા, નાનભા જાડેજા, કિશોરસિંહ જાડેજા(પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ), મોરવા તાલુકા પંચાયત પ્રમુખ બહાદુરસિંહ વાઢેર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઘેલુભા જાડેજા, ભીખુભા ગોપાલજી જાડેજા, નાથુભા જાડેજા, વેરશીભાઈ ગઢવી, પી.એમ.ગઢવી, કાનાભાઈ કરમૂર તથા વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
