Mysamachar.in-જામનગર:
ભારતીય ક્રિકેટ ટીમના આધારભૂત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય એક કરતાં વધુ વખત વિવાદોમાં કથિત રીતે સપડાયા હોય, તેઓનું નામ ગુજરાત જ નહીં દેશભરમાં જાણીતું બની ચૂકયું છે, એમાં પણ તાજેતરનો તેઓનો પારિવારીક વિવાદ તો નેશનલ લેવલે મીડિયા માટે મુદ્દો બની જતા ચર્ચાઓમાં રહ્યો છે.
જામનગર જિલ્લાના આ એકમાત્ર મહિલા ધારાસભ્ય ચૂંટાયા બાદ માત્ર ચૌદ જ મહિનામાં ત્રીજી વખત સમાચારોમાં ચર્ચાયા છે. જે પૈકી બે વિવાદ રાજયકક્ષાએ ઘૂમરાયા હતાં અને તાજેતરનો વિવાદ તો સમગ્ર દેશમાં ચર્ચાઓમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં આ મહિલા MLA ના સસરાએ આ મહિલા ધારાસભ્યને કારણે સમગ્ર તેમનો પરિવાર વેરણછેરણ થઈ ગયો છે એ મતલબનો ચોંકાવનારો આક્ષેપ જાણીતા મીડિયાહાઉસ સમક્ષ કરતાં આ વિવાદ નેશનલ કક્ષાએ ચર્ચાઓમાં છે.

ગત્ શનિવારે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આવાસ લોકાર્પણનો એક કાર્યક્રમ હતો, જેમાં ખુદ વડાપ્રધાન વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતાં. અને, રાજયકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડીસા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમની કડીરૂપે જામનગર શહેરનાં બંન્ને વિધાનસભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ સ્થાનિક કક્ષાએ આયોજિત કરવામાં આવેલો, જેમાં પોતાના મતવિસ્તાર માટે આયોજિત કાર્યક્રમમાં આ મહિલા MLA ઉપસ્થિત રહેલાં અને કાર્યક્રમના અંતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેઓને તાજેતરના તેઓના પારિવારીક વિવાદ મામલે પ્રશ્ન પૂછાતાં આ મહિલા MLA ભડકી ઉઠ્યા હતાં. અને પ્રશ્ન પૂછનારને એમ કહી દીધેલું કે, તમે આ મામલે મારો વ્યક્તિગત સંપર્ક સાધી શકો છો. અહીં એવો પ્રશ્ન પૂછાયો હોત તો, કે આ મામલો તમારાં સસરા ખુદ જાહેરમાં લાવ્યા છે, આ મામલો હવે વ્યક્તિગત રહ્યો નથી…તો, મહિલા MLA શું જવાબ આપી શક્યા હોત ? એ પ્રશ્ન ચર્ચાઓમાં છે. શું જવાબ આપ્યો તે વિડીયોમાં પણ સાંભળવા મળશે અહી
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ આ મહિલા MLA અને જામનગર દ્વારકાના મહિલા MP સાથે પણ જાહેર કાર્યક્રમમાં ચકમક ઝરી હતી, ત્યારે પણ એ વિવાદ રાજયકક્ષાએ ગાજયો હતો. અને, એક વખત પક્ષના એક રાહત સહાય કાર્યક્રમ દરમિયાન આ મહિલા MLAના ફોટાઓ રાહત સામગ્રીના પેકેટ પર છપાયેલાં ત્યારે પણ રાજયકક્ષાએ આ મુદ્દો ગાજેલો. આમ આ મહિલા MLA વારંવાર ભળતાં જ કારણોસર સમાચારોમાં ચમકી રહ્યા હોય, જામનગર સહિત સમગ્ર હાલારમાં તરેહતરેહની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે, અને એ પણ ઉલ્લેખનિય છે કે, તેઓ જાહેર જીવનમાં હજુ હમણાં જ આવ્યા છે, અને વારંવાર તેઓ વિવાદોમાં ચમકી રહ્યા છે, તેથી શાસકપક્ષમાં અને લોકોમાં પણ તેઓ વિષે ભારે ચર્ચાઓ થઈ રહી છે. તેઓને મળી રહેલી નેગેટિવ પબ્લિસિટી તેઓની રાજકીય કારકિર્દી પર કેવી અસરો કરી શકે, એ અંગે પણ પુષ્કળ ચર્ચાઓ ચાલી રહી છે.
-જો કે રવિન્દ્રસિંહ જાડેજાએ X પર લખ્યું હતું કે…
જાડેજા પરિવારનો આ વિવાદ શમી ગયો હોત પરંતુ વિશ્વપ્રસિદ્ધ સેલિબ્રિટી રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાના આ પારિવારીક વિવાદ અંગે ટ્વીટર (એક્સ) પર મામલે ખુદ પોતે એટલે કે રવિન્દ્ર જાડેજાએ ખુલાસો કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “હાલમા એક અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમા જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારૂ છું. મારાં ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.” આ ટ્વીટ સોશ્યલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યું છે.
