Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા મંદિરે ધ્વજારોહણનો મામલો લાંબા સમયથી ચાલી રહ્યો છે ! જેને કારણે ભક્તોમાં નારાજગી જોવા મળે છે. તંત્ર દ્વારા સહમતીથી છઠ્ઠી ધ્વજાજીનો નિર્ણય લેવામાં આવ્યા પછી પણ સ્થાનિક મતભેદો સમયાંતરે ઉભરતાં રહે છે ! દ્વારકાધીશ મંદિરે છઠ્ઠી ધ્વજાજીનો નિર્ણય ઘણાં સમય પહેલાં લેવાઈ ગયો છે. જેમાં ડ્રો સિસ્ટમ અપનાવવામાં આવી છે. તંત્ર પોતાનાં નિર્ણયમાં અડગ છે. કેમ કે, આ નિર્ણય સૌ સંબંધિતોને સાથે રાખીને જેતે સમયે લેવામાં આવ્યો હતો. આમ છતાં, કેટલાંક લોકો દ્વારા દેવસ્થાન સમિતિના આ નિર્ણય પ્રત્યે જુદીજુદી રીતે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. જે આંતરિક ખટપટ પણ હોય શકે છે, એવું જાણવા મળે છે.
દ્વારકાધીશ મંદિરે છઠ્ઠી ધ્વજાજીનો હક્ક દેવસ્થાન સમિતિ હસ્તક રાખવાનાં મુદ્દે અગાઉ અબોટી બ્રાહ્મણ સમાજ દ્વારા વિરોધનો સૂર છેડાયો હતો. એ મુદ્દો હાલમાં શાંત છે. ત્યારે, બીજી તરફ હવે ગુગળી બ્રાહ્મણ સમાજનાં કેટલાંક લોકોએ ધોકો પછાડ્યો છે. આ બ્રાહ્મણોએ રેલી પણ યોજી હતી અને સંબંધિતોને નોટિસ આપી હોવાનું પણ બહાર આવ્યું છે. પરંતુ આ હિલચાલથી છઠ્ઠી ધ્વજાજીની હાલની પ્રક્રિયામાં કશો ફરક પડશે નહીં, એવાં સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે.
દેવસ્થાન સમિતિ વતી SDM પાર્થ તલસાણીયાએ કહ્યું કે…
દ્વારકાધીશ મંદિરે છઠ્ઠી ધ્વજાજી અંગે હાલ જે કાંઈ વાતાવરણ જોવા મળી રહ્યું છે તે સંદર્ભે માય સમાચાર ડોટ ઈન દ્વારા આજે સવારે દ્વારકા એસડીએમ પાર્થ તલસાણીયાનો ટેલિફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું છે કે, છઠ્ઠી ધ્વજાજી અંગે સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયને ગુગળી બ્રાહ્મણ સમાજનાં આગેવાનોએ જેતે સમયે સમર્થન આપેલું જ છે. સંકલન બેઠકમાં તેઓએ સહમતી આપ્યા પછી જ નિર્ણય લેવામાં આવ્યો છે. સહમતી આપનાર ગુગળી બ્રાહ્મણ સમાજનાં આગેવાનો હાલની પ્રક્રીયાના વિરોધમાં નથી. તેઓ સિવાયનાં કેટલાંક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. જે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે તેઓ ગુગળી બ્રાહ્મણ સમાજનાં ‘સતાવાર’ આગેવાનો નથી. ગુગળી બ્રાહ્મણ સમાજનાં બે ફાંટા હોય શકે છે, અને એ મુદ્દો તેઓનો આંતરિક મામલો છે. તંત્ર દ્વારા નિયમાનુસાર પ્રક્રિયા બાદ અને પુખ્ત વિચારણા પછી જ હાલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં સત્તાવાર રીતે કોઈનો કશો વિરોધ નથી.