Mysamachar.in-જામનગર:
જામનગરમાં બ્રહ્મસમાજની એક સંસ્થા કે જે ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી છે, આ સંસ્થાના નામનું એક લેટરપેડ એક કામસર અદાલતમાં રજૂ થયેલું ત્યારે તેમાં ટ્રસ્ટી તરીકે એવી વ્યક્તિનું નામ લખ્યું છે, જે વ્યક્તિ જેતે સમયે આ સંસ્થામાં ટ્રસ્ટી ન હતાં એમ આ ફરિયાદમાં જણાવાયું છે અને સ્કેટિંગ સંસ્થાના એક સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.
જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં રહેતાં, આશિયાના હોટેલવાળા જયંતભાઈ ગૌરીશંકર પુંજાણીએ શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં આરોપી તરીકે નયન હર્ષદભાઈ ત્રિવેદીનું નામ છે. જેઓ સ્કેટિંગ સંસ્થા ચલાવે છે.

આ ફરિયાદમાં જણાવાયું છે કે, આ કામના ફરિયાદી શ્રી રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભુવન વિદ્યોતેજક ફંડ નામની સંસ્થામાં પોતે ટ્રસ્ટી ન હોવા છતાં આરોપીએ આ ફરિયાદીને ટ્રસ્ટી તરીકે દર્શાવ્યા છે. અને આ સંસ્થા આવું કોઈ લેટરપેડ ધરાવતી ન હોવા છતાં, આરોપીએ બોગસ લેટરપેડ બનાવ્યું છે, તેમાં ખોટો સિક્કો લગાવ્યો છે અને ફરિયાદીની સહી જેવી કોઈ ભળતી સહી કરવામાં આવી છે અને આ લેટરપેડ ખરા લેટરપેડ તરીકે રજૂ કરી અદાલતમાં ‘ખોટો’ દાવો દાખલ કર્યો છે.
આજથી આઠેક મહિના અગાઉ આ ફરિયાદીને કોર્ટ નોટિસ મળતાં તેઓ અદાલત સમક્ષ હાજર થયેલા ત્યારે તેમને એટલે કે ફરિયાદી જયંતભાઈને જાણવા મળેલું કે, તેમની જ જ્ઞાતિના નયન હર્ષદભાઈ ત્રિવેદીએ 2024માં જામનગરની સ્થાનિક અદાલતમાં એક રેવન્યુ દાવો દાખલ કર્યો હતો. જેમાં જયંતભાઈને પ્રતિવાદી નંબર 4 તરીકે જોડવામાં આવ્યા છે.

આ દાવામાં એમ જણાવાયેલું છે કે, 2021ની સાલથી ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી રાજ્ય પુરોહિત જ્ઞાતિની જગ્યામાં આરોપી નયન ત્રિવેદીએ માસિક રૂ. 7,000ના ભાડાથી સંસ્થાનું મેદાન સ્કેટિંગ તાલીમ શાખા માટે ભાડે રાખેલું છે. આ દાવામાં જે દસ્તાવેજો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે તેમાં સંસ્થાનું એક લેટરપેડ મૂકવામાં આવ્યું છે.
ફરિયાદીએ કહ્યું કે, આ લેટરપેડ બનાવટી છે. તેમાં અમને ટ્રસ્ટી તરીકે દર્શાવ્યા છે. ત્યારે અમે ટ્રસ્ટી ન હતાં. છતાં લેટરપેડમાં અમારા નામે અમારી સહી દેખાડવામાં આવી છે. આટલી હકીકતો સાથે ફરિયાદીએ આરોપી વિરુદ્ધ સી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
