Mysamachar.in- જામનગર:
રાજ્યમાં દાયકાઓથી શાસકપક્ષ અતિ મજબૂત સ્થિતિઓ ધરાવે છે, પણ બીજી તરફ છેલ્લા કેટલાંક સમયથી ચકચારી કૌભાંડોની હારમાળા અને ગુનાખોરીના છાંટા પણ શાસકપક્ષ સાથે સંકળાયેલા લોકો પર ઉડી રહ્યા હોય- મજબૂત શાસકપક્ષ ‘બચાવ’ની સ્થિતિઓ સહન કરી રહ્યો છે અને રોજ સવારે આ પક્ષના નેતાઓએ પ્રચાર પ્રસાર માધ્યમોમાં ખુલાસાઓ કરવા પડી રહ્યા છે. આવો વધુ એક વિવાદ જામનગર જિલ્લામાં પણ સળગી ઉઠ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શાસકપક્ષના કેટલાંક વર્તમાન હોદ્દેદાર, પૂર્વ હોદ્દેદાર, હોદ્દેદારના સંબંધીઓ અને ખુદ મંત્રીના પુત્રો- કૌભાંડ તથા ગુનાઓ સંબંધે સરકારી ચોપડે ચડી રહ્યા છે. જેલવાસ પણ ભોગવે છે અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સહિતના માધ્યમોમાં આકરી ટીકાઓનું નિશાન બની રહ્યા છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભાના ભાજપાના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રનું એક પરાક્રમ ચર્ચાઓમાં ઘૂમરાઈ રહ્યું છે. જેને કારણે શાસકપક્ષ બચાવની સ્થિતિઓ અનુભવી રહ્યો છે, જો કે આ ધારાસભ્યએ આ આખા વિવાદથી છેડો ફાડયો છે.
એમ કહેવાય છે કે, આ નેતા તથા એમનો પરિવાર આર્થિક રીતે સંપન્ન છે. જમીનો અને વૈભવી વાહનો ધરાવતા હોવાની વિગતો પણ બજારમાં ફરી રહી છે. નેતાનો પુત્ર પણ હાલમાં HiFi જિંદગી જીવી રહ્યો છે. પરંતુ મોહિત ચાવડા નામધારી આ MLA પુત્રના નામે જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા હસ્તકની સરકારી આવાસયોજનાનો લાભ બોલે છે, આ મામલો ‘ગરીબોના હક્ક પર સંપન્ન લોકોની તરાપ’ તરીકે પણ ચર્ચાઓમાં છે.અને કોંગ્રેસને આ મામલે વાર કરવાનો મોકો મળી ગયો છે.
-આ વિવાદ સંબંધે MLA મેઘજી ચાવડાએ જણાવ્યું કે…
શાસકપક્ષ સામે વધુ એક વિવાદે મોં ફાડતા, આજે મંગળવારે સવારે Mysamachar.in દ્વારા, આ મામલે ધારાસભ્ય મેઘજી ચાવડાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો. હાલ તેઓ ગાંધીનગર છે. એમણે આ વાતચીતમાં જણાવ્યું કે, મારો આ પુત્ર મારાથી અને અમારા પરિવારથી, લાંબા સમયથી સંપૂર્ણ અલગ છે. તે પોતાની રીતે જિવે છે. (પુત્રના બચાવમાં કહ્યું કે…)જયારે તેણે આ અંગેનો લાભ નોંધાવેલો ત્યારે તેની પાસે પોતાની માલિકીનો પ્લોટ, અન્ય મિલકત કે ધંધો પણ ન હતો. સામાન્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિ તરીકે તેણે આવાસ મેળવવા પ્રયાસ કરેલો. એ સમયે, વર્ષ 2019-20માં હું ધારાસભ્ય પણ ન હતો.
મેઘજીભાઈએ વધુમાં કહ્યું કે, મીડિયા મારો સ્વભાવ જાણે છે. સરળ છું. ભ્રષ્ટાચાર જેવી બાબતોમાં પડતો નથી. ‘હાયવોય’ કરતો નથી. અલગ રહેતો પુત્ર પોતાની રીતે સ્વતંત્ર હોય છે. મને જેતે સમયે આવાસનો આ મામલો ધ્યાન પર આવેલો ત્યારે, સૂચના આપી કે, તારે આ બાબત અહીં જ સ્ટોપ કરી દેવી જોઈએ. જો કે મારા પુત્રએ જેતે સમયે પગભર થવા પોતાની રીતે, આ પ્રકારના આયોજનમાં રસ લીધો હતો. છોકરાઓ પોતાની રીતે ઘણું કરતા હોય છે, હું આ ચિત્રમાં કયાંય નથી.
-આંતરિક રાજકારણ અને પાલિકા ચૂંટણીઓ વખતના મતભેદો નડી ગયાની ચર્ચાઓ..
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, થોડા મહિનાઓ અગાઉ ધ્રોલ ખાતે પાલિકાની ચૂંટણીઓ હતી. આ વિસ્તાર કાલાવડ MLAમાં આવે છે. જેતે સમયે ધારાસભ્યએ આ ચૂંટણીઓમાં ઉંડો રસ પણ લીધો હતો. તે સમયે શાસકપક્ષમાં કેટલાંક મતભેદો પણ હતાં. પદાધિકારીઓની વરણી સમયે ગણગણાટ અને ગાજવીજ પણ થયેલી. સૂત્ર કહે છે, મતભેદો ઉગ્ર બન્યા છે, અસંતોષ તીવ્ર બન્યો છે. તલવારો ખેંચાયેલી જ છે, એ દરમ્યાન MLAપુત્રનો આ આવાસમામલો જાહેર થઈ ગયો. હવે ??!
ધ્રોલ સહિત સમગ્ર જિલ્લામાં હાલ ચર્ચાઓ એ છે કે, હવે શું થશે ? વિવાદમાં તપાસ થશે ? તપાસ તટસ્થ હશે ? વિવાદ આગળ વધશે ? કે, અંગારા પર રાખ વાળી દેવામાં આવશે ? આંતરિક અસંતોષ ઠરશે કે વધુ ભડકશે ? અનેક પ્રકારના પ્રશ્નો ચર્ચાઓમાં છે. જો કે એટલું તો નક્કી જ કે, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શાસકપક્ષ માટે, હાલ ‘અચ્છે દિન’ તો નથી જ, ઠેરઠેર બબાલ ચાલી રહી છે. વિપક્ષ પાછલા દરવાજે પ્રો-એક્ટિવ છે ? એવો પણ પ્રશ્ન જાણકારો પૂછી રહ્યા છે. કારણ કે, ખુદ ગાંધીનગર બચાવની સ્થિતિઓમાં મૂકાઈ ગયાનો અહેસાસ કરી રહ્યું છે ! આટલી મજબૂત સ્થિતિઓ છતાં.