Mysamachar.in:અમદાવાદ
સમગ્ર રાજયમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર વરસોથી ચર્ચાઓમાં છે. આ બંને અતિ મહત્ત્વના અને સંવેદનશીલ ક્ષેત્રોમાં સરકારના અખતરાઓ લોકો માટે ખતરાઓ ખડાં કરી રહ્યા છે એવી એક સર્વ સામાન્ય છાપ જોવા મળી રહી છે, આ સ્થિતિમાં એક એસોસિએશન દ્વારા લખાયેલો અને સરકારને મોકલાયેલો એક પત્ર ઘણું કહી જાય છે.આરોગ્ય સેવાઓની વ્યવસ્થાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લાખો લોકો માટે જીવાદોરી સમાન હોય છે. આ ક્ષેત્રમાં ગરબડો થાય તો તેની માઠી અસરો લાખો લોકોની જિંદગીઓને ટચ કરતી હોય છે. એ અંગેની ચિંતાઓ પ્રગટ કરીને GMERS ફેકલ્ટી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગને એક પત્ર લખવામાં આવ્યો છે.
આ પત્રમાં કહેવાયું છે કે, આઝાદીના 75 વર્ષ પછી પણ ગટરોના ઢાંકણા સરખી રીતે નાંખતા આવડતું ન હોય એવા સરકારી અધિકારીઓનું તંત્ર સરકારી મેડિકલ ક્ષેત્રમાં પણ આ પ્રકારની અવ્યવસ્થાઓ ઉભી કરી રહ્યું છે. GMERS ડોકટરોની કાયમી ભરતીઓ કરવાને બદલે તબીબોની બનાવટી અછત ઉભી કરવામાં આવી છે. અને નવા અખતરા કરીને તબીબોની કામચલાઉ કરાર આધારિત નિમણૂંકો કરવામાં આવી રહી છે! ડોકટર હંગામી હોય ?! તે કારકૂન કે કોમ્પ્યુટર ઓપરેટર છે ?!
રાજયના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં અનુભવી તબીબોને મૂકવાને બદલે શિખાઉ ડોકટરોની નિમણૂંકો કરવામાં આવી રહી છે. સરકારી મેડિકલ કોલેજો 6 છે. જેમાં 25 વર્ષથી વધારો કરવામાં આવ્યો નથી. પાંચ વર્ષથી તબીબોની કાયમી ભરતીઓ બંધ કરવામાં આવી છે. એસોસિએશનના તબીબોએ આ સંદર્ભે સરકારને 1,000 થી વધુ ઈ-મેઈલ મોકલ્યા છે. અને કહેવાયું છે કે, આડેધડ કરાર આધારિત ભરતીઓ બંધ કરવામાં નહીં આવે તો તબીબોએ આંદોલનની ચિમકી પણ આપી છે.એસોસિએશનનો પત્ર કહે છે, કાયમી ભરતીઓ કરવામાં આવે તો અનામત વ્યવસ્થા મુજબ ભરતીઓ કરવી પડે. એમ ન કરવું પડે એટલે પાંચ વર્ષથી કાયમી ભરતીઓ બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે આ હેલ્થકેર ક્ષેત્ર નબળું પડ્યું છે.
આ પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સરકારમાં વગ ધરાવતાં ઘણાં બધાં તબીબો રાજયમાં કોઈ પણ જગ્યાઓ પર શહેરોમાં નિમણૂંકો મેળવી લ્યે છે. ડોકટરો પાસે વર્ષમાં ત્રણ મહિના કારકૂનનું કામ કરાવવામાં આવે છે. રાજયની 13 GMERS મેડિકલ કોલેજોમાં 13 વર્ષથી વર્ગ-3 અને સફાઈ કામદારોની જગ્યાઓ જ રાખવામાં આવી નથી.કરાર આધારિત ભરતીઓને કારણે તબીબી ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ શિક્ષણનું સ્તર નીચું આવે છે. જેની ગંભીર અસરો દર્દીઓની સારવાર પર પડી રહી છે. અને દાયકાઓ સુધી લોકોએ આ ગંભીર અસરો ભોગવવી પડશે.હાલમાં ખાનગી મેડિકલ કોલેજોના અને અન્ય રાજયોના જૂનિયર તબીબો સિનિયર તબીબોના સાહેબો થઈને બેઠાં છે! એવું પણ આ પત્રમાં લખાયું છે. આરોગ્ય વિભાગમાં તબીબી પ્રોફેસરોની સામાન્ય બાબતોની ફાઈલો પણ લાંબા સમય સુધી કલીયર થતી નથી.