Mysamachar.in-જામનગર:
આજે બપોરે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ડીપી રોડ અમલીકરણને મંજૂરી અને અધિકારીઓની સીધી ભરતી તથા બઢતીના મામલાઓ આગળ વધારવા લીલી ઝંડી આપવામાં આવી છે અને કામોના આયોજન તથા ખર્ચ પેટે કુલ રૂ. 5.44 કરોડની મંજૂરીઓ આપવામાં આવી છે.
જામનગરમાં હરિયા કોલેજ રોડ, સાંઢિયા પુલ નજીક રેલવે ટ્રેકને સમાંતર ઉદ્યોગનગરમાં જવા માટેના ડીપી રોડના કામ સંબંધે મહાનગરપાલિકાએ વાંધા સૂચનો મંગાવેલા પરંતુ વાંધા સૂચનો આવ્યા ન હોય, હવે મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે, આ 18મીટર પહોળા ડીપી રોડના અમલીકરણમાં આગળ વધવું. આ અમલીકરણને ધોરણસર મંજૂરી આપી દેવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેશનમાં અધિકારીઓની સીધી ભરતીઓ અને બઢતી સંબંધે પણ નિર્ણય લીધો છે. આ અગાઉ, મંજૂર થયેલ સેટ અપમાં સુધારાઓ અંગે કમિશનરે કમિટીને દરખાસ્ત મોકલી હતી, જે અનુસંધાને કમિટીએ નિર્ણય લીધો છે કે, ભલામણ સાથે આ મુદ્દો 24 મી સપ્ટેમ્બરે યોજાનારી જનરલ બોર્ડની બેઠકમાં લઈ જઈ દરખાસ્ત મંજૂર કરવી. જનરલ બોર્ડની મંજૂરી બાદ આ મામલો અધિકારીઓની લાયકાત સંદર્ભે મંજૂર થવા સરકારમાં જશે. આ દરખાસ્ત મુજબ, કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ), એમઓએચ તથા કાર્યપાલક ઈજનેરની જગ્યાઓ સીધી ભરતીઓ અથવા બઢતી મારફતે ભરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીએ આ ઉપરાંત વોર્ડ નંબર 11ના કેટલાંક વિસ્તારોમાં થતાં જલભરાવ અંગે પણ નિર્ણય લઈ આગામી કાર્યવાહીઓ અને કામગીરીઓ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.
-સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક યોજાઈ ત્યારે….
કમિટીની બહાર કોંગ્રેસના મનપા વિપક્ષ નેતા ધવલ નંદા તથા કોર્પોરેટરો વગેરેએ વિવિધ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ એમ પણ કહ્યું કે, આ સ્ટેન્ડિંગ કમિટી નથી, ‘સેટીંગ’ કમિટી છે. એવું દેખાઈ રહ્યું છે કે, આ ‘સેટીંગ’ શબ્દના આગામી સમયમાં ઘેરા રાજકીય પડઘા પડી શકે છે.
-સ્ટે.કમિટી ચેરમેને કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા…
આજે કોંગ્રેસના વિરોધના કાર્યક્રમો અને કોંગ્રેસ પ્રમુખે “સેટિંગ કમિટી” અંગે કરેલ આક્ષેપોને ફગાવતા સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરાએ કહ્યું મનપામાં દરેક જગ્યાએ એન્ટી કરપ્શન બ્યુરોના બોર્ડ લગાવેલ છે તો જો મનપામાં આવું કાઈ થાય તો કોંગ્રેસે એસીબીને જાણ કરવી જોઈએ અહી ધરણા કરવાથી કાઈ ના થાય વિપક્ષ માત્ર આક્ષેપ કરે છે.