Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતની વડી અદાલતમાં એક પારિવારિક વિવાદનો જાણવાલાયક ચૂકાદો આવ્યો છે.જેમાં વિધવા પુત્રવધૂ સંપત્તિવાન સાસરિયાંઓ વિરુદ્ધનો કાનૂની જંગ જિતી છે. આ કેસની જાહેર થયેલી વિગતો મુજબ, એક સંપત્તિવાન પરિવારનાં બીજાં નંબરનાં પુત્રનું કેન્સરની બીમારીને કારણે વીસ વર્ષ પહેલાં અવસાન થતાં, કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતાં મૃતકનાં મોટાભાઈ સહિતનાં સંયુક્ત પરિવારે, આ પરિવારની વિધવા પુત્રવધૂને માત્ર રૂ. 41 લાખ સંપતિમાંથી હિસ્સા તરીકે આપી, પરિવારમાંથી તથા પરિવારનાં સંયુક્ત બિઝનેસમાંથી દૂર કરી. આ વિધવાને બે પુત્રીઓ છે, જેમાંની એક ઈજનેરી અભ્યાસ કરે છે.
આ વિધવાએ ભૂતકાળમાં ભરણપોષણનો દાવો સાસરિયાઓ વિરુદ્ધ દાખલ કરેલો ત્યારે માસિક રૂ. 10,000 નું ભરણપોષણ મંજૂર થયું હતું. બાદમાં ઉપલી અદાલતે આ ભરણપોષણ રૂ. 19,000 કરી આપ્યું. ત્યારબાદ આ મામલો વડી અદાલતમાં પહોંચ્યો. વડી અદાલતે ભરણપોષણની રકમ માસિક રૂ. 30,000 મંજૂર કરતાં જણાવ્યું કે, આ સંયુક્ત પરિવારમાં વિધવાના જેઠના યુવાન પુત્રને ભણવા માટે જે સુવિધાઓ ઉપલબ્ધ છે તે પ્રકારની સુવિધાઓ આ અરજદારની(વિધવા પુત્રવધૂ)બંને પુત્રીઓને પણ મળવી જરૂરી છે. આ દલીલો ધ્યાનમાં રાખી અદાલતે બીજી વખત ભરણપોષણની રકમ વધારી આપી છે.
આ સંયુક્ત પરિવાર કરોડોની સંપત્તિ ધરાવે છે, પારિવારિક બિઝનેસ ધરાવે છે અને વર્ષો પહેલાં વિધવા પુત્રવધૂને સંપત્તિમાંથી થોડી રકમ આપી પરિવારમાંથી દૂર કરી હતી, ત્યારથી આ કેસ ચાલી રહ્યો છે. ભરણપોષણ વધારવા મુદ્દે આ કેસમાં વિધવા પુત્રવધૂને બીજી વખત સફળતા મળી હતી.