Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં મતદારોએ શાસકપક્ષને ખોબલે ખોબલે મત આપ્યા છે. હવે સરકાર મતદારોને રિટર્ન ગિફ્ટ આપશે. ખાસ કરીને, સમગ્ર રાજ્યમાં વાહનચાલકોને રાહતો મળે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારૂ રીતે સંચાલિત કરી શકાય તે પ્રકારની સોફટનીતિ તરફ સરકાર આગળ વધી રહી છે.
પ્રધાનમંડળની રચના પછી, કાલે મંગળવારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ બેઠક ટ્રાફિક વ્યવસ્થા સંબંધે યોજી. આ બેઠકમાં તેઓએ ઉચ્ચ અધિકારીઓને કહ્યું કે, શહેરોમાં માર્ગો પર તથા હાઈવેઝ પર, વાહનચાલકોને ઓછામાં ઓછી હાલાકીનો સામનો કરવો પડે, નિયમભંગ કિસ્સાઓમાં દંડની રકમ ઘટે વગેરે બાબતો પર સરકાર ફોકસ કરવા ઈચ્છે છે અને એ રીતે વાહનચાલકો પ્રત્યે સોફટનીતિ અપનાવી સરકાર વાહનચાલકોને રાહતો અને સુવિધાઓ આપવા ઈચ્છે છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યનાં તમામ શહેરમાં બંધ પડેલાં ટ્રાફિક સિગ્નલ ફરીથી શરૂ કરવામાં આવે, જરૂર જણાય ત્યાં નવા સિગ્નલ લગાવવામાં આવે, વાહનચાલકો પરની દંડની રકમ ઘટાડવામાં આવે, રસ્તાઓ પર વાહનચાલકોને ઉભાં રાખવામાં ન આવે, દંડની રકમ ઓનલાઇન વસૂલવામાં આવે, પોલીસ વિભાગમાં તમામ ઈન્ટરસેપ્ટર વાહનોની કામગીરીની નિયત સમયે નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે – વગેરે વિવિધ પદ્ધતિઓ વડે વાહનચાલકોને રાહતો અને સુવિધાઓ મળે તે માટે પ્રયાસો કરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં ટ્રાફિક નિયમન વધુ સારી રીતે થઈ શકે તે દિશામાં પોલીસે આગળ વધવાનું રહેશે. ટૂંકમાં, સરકાર વાહન વ્યવહાર સંબંધે આ નવા કાર્યકાળ દરમિયાન સોફટનીતિ અપનાવશે તેવો સંકેત ગૃહમંત્રીએ પ્રથમ બેઠકમાં આપ્યો.
ગૃહમંત્રીએ આપેલી આ સૂચનાઓનો જામનગર સહિતના રાજ્યનાં વિવિધ શહેરોમાં આગામી દિવસોમાં કેવો અને કેટલાં પ્રમાણમાં અમલ થાય છે ? તે જોવું રસપ્રદ બનશે. ગૃહમંત્રીએ સૂચવેલી આ સોફટનીતિ આવકારદાયક છે પરંતુ તેનાં પરિણામો સ્થાનિક કક્ષાએ કેટલાં પ્રમાણમાં જોવા મળશે ? તે પ્રશ્ન હાલ મહત્વનો લેખાવી શકાય.